નવી દિલ્હીઃ 1993માં પશ્ચિમ બંગાળની એક મહિલા કેશરી મહાતોની હત્યા થઈ હતી. આ હત્યારાઓને કલકત્તા હાઈકોર્ટે ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટના આ ચુકાદાની વિરૂદ્ધમાં ગુનેગારોએ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટની સજા માન્ય રાખી છે.
હત્યાનો સ્પષ્ટ ઈરાદોઃ ન્યાાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ પંકજ મિથલની સંયુક્ત બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું કે આ કેસમાં ટ્રાયલ કોર્ટે જે કાર્યવાહી કરી છે તેમાં કોઈ ખામી નથી. તેમજ ગુનેગારોને આજીવન કેદની સજા કરી તે યોગ્ય જ છે. કલકત્તા હાઈકોર્ટની કાર્યવાહી કાયદાને અનુસરીને થયેલી હોવાનું આ સંયુક્ત બેન્ચ જણાવે છે. ગુનેગારોએ જે હત્યા કરી છે તેમાં તેમનો ઈરાદો જીવ લેવાનો ન હતો પરંતુ તે સ્ત્રીને ભવિષ્યમાં કાળોજાદુ ન કરે તેવો પાઠ ભણાવવાનો હોવાની દલીલ અયોગ્ય છે.
માથામાં બોથડ પદાર્થ મારી કરાઈ હત્યાઃ ન્યાયાધિશની સંયુક્ત બેન્ચનું નિવેદન છે કે મૃતક મહિલાના માથામાં બોથડ પદાર્થ મારીને જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોતા લાગે છે કે હત્યારાઓનો ઈરાદો મહિલાની હત્યા કરવાનો જ હતો. મહિલાને કાળોજાદુ ન કરવા માટે શિક્ષા કરવાનો ન હતો.
મહિલાને ડાકણ ગણી હત્યા કરીઃ સાક્ષીઓની જુબાની છે કે પાંચેય ગુનેગારો રાત્રે ઘરે પરત ફર્યા અને ડાકણ(મૃતક મહિલા)ને મારી નાખીશું તેવું કહેતા હતા. આ ગુનેગારો માનતા હતા કે આ મહિલા કાળોજાદુ કરે છે અને ગામવાસીઓને પરેશાન કરે છે. સંયુક્ત બેન્ચે તારણ આપ્યું કે પાંચમાંથી બંધુ ગોરેન અને રાજેન ગોરેન પાસે કોઈ હથિયાર ન હતા, પરંતુ તેઓ હત્યામાં સામેલ હોવાનું સ્પષ્ટ થાય છે. આ બંને જણા હત્યા કરવા આવનાર ગુનેગારો સાથે મળીને મહિલાની હત્યા થઈ ત્યારે સ્થળ પર હાજર હતા. મૃતક મહિલાને કાળોજાદુ કરતી ડાકણ ગણાવીને પાંચેય સાથે મળીને હત્યા કરી હતી. આ હત્યા પ્રિ પ્લાન હતી.
એપેક્ષ કોર્ટે સજા માફીની અરજી ફગાવી હતીઃ સુપ્રીમ કોર્ટે જો કે આ બંને ગુનેગારોએ 15 વર્ષનો કારાવાસ ભોગવ્યો છે તેને ધ્યાને લઈ રાજ્ય સરકારમાં માફીની અરજી કરવાની પરવાનગી આપી છે. નવેમ્બર 2021માં એપેક્ષ કોર્ટ દ્વારા સુરેન્દ્ર ગોરેન, રણજીત ગોરેન અને રાજેન ગોરેનની સજા માફીની અરજી ફગાવી દેવાઈ હતી.
1993માં નોંધાઈ હતી એફઆરઆઈઃ 1993ના સપ્ટેમ્બરમાં આ હત્યા સંદર્ભે એફઆરઆઈ દાખલ કરવામાં આવી હતી. જેમાં મૃતક મહિલા તેની પુત્રવધુ સાથે તળાવમાંથી પોતાનું રોજીંદુ કામકાજ પતાવીને પરત ફરી ત્યારબાદ પાંચેય જણાએ બહુ મોટો ઝઘડો કર્યો અને માથામાં બોથડ પદાર્થ મારીને મહિલાની હત્યા કરી નાખી.