નવી દિલ્હીઃ દેશમાં આકાશમાંથી આગઝરતી ગરમી વરસી રહી છે. તાપમાન વઘતાં આકરી ગરમી લોકોને પરેશાન કરી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું. આ દરમિયાન ઉત્તર પ્રદેશના હમીરપુર અને પ્રયાગરાજમાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગરમીમાંથી આંશિક રાહત: IMDએ જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય હોવાને કારણે મંગળવારથી ઉત્તર પશ્ચિમ મેદાનોમાં હળવા વરસાદની અપેક્ષા છે. આ મહિનાની શરૂઆતમાં, હવામાન કચેરીએ ઉત્તરપશ્ચિમ અને દ્વીપકલ્પના પ્રદેશો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાનની આગાહી કરી હતી. બુધવારે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ શહેરમાં ગરમીમાંથી થોડી રાહત આપી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા: રાજ્યમાં હવામાન વિભાગે ફરી માવઠાને લઈ આગાહી કરી છે. ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદને લઈ રાજ્યના ઘણાં વિસ્તારમાં અગાઉ જ પાક નુકસાની થઈ છે તો બીજી તરફ ફરી કમોસમી વરસાદના કમઠાણ સર્જાતા ખેડૂત ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
આ પણ વાંચો: Gujarat Weather Update : રાજ્યમાં ગરમીનો પારો ચડ્યો, હિટવેવની સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી
તાપમાનમાં થશે ઘટાડો: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને હમીરપુર 44.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યા હતા. રાજસ્થાનના રણ રાજ્યમાં ચિત્તોડગઢ સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલે જોધપુર અને બિકાનેર વિભાગો અને જયપુર, અજમેર અને ભરતપુર વિભાગોમાં હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આગામી બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ આગાહી કરવામાં આવી છે. હિમાચલના નીચાણવાળા પહાડી વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવા વરસાદ બાદ મહત્તમ તાપમાનમાં કેટલાક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: Heat Illness :કાળઝાળ ગરમીમાં થતાં ચામડીના રોગથી બચવા આટલું જરુર કરો
હીટવેવની ચેતવણી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગે બિહારના અનેક જિલ્લાઓમાં બે દિવસ માટે 'લૂ'ની ચેતવણી સાથે 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યું છે. પશ્ચિમ બંગાળના બાંકુરામાં સૌથી વધુ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાજધાની કોલકાતામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હરિયાણા અને પંજાબમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે અને બંને રાજ્યોના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે.