- નવા નેવી ચીફ તરીકે વાઈસ એડમિરલ આર હરિ કુમારની નિમણૂક
- વર્તમાન નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ થઈ રહ્યા છે નિવૃત
- આર હરિ કુમાર હાલ પશ્ચિમી કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ છે
નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે, વાઈસ એડમિરલ આર હરિ કુમારને (VICE ADMIRAL R HARI KUMAR) આગામી નેવી ચીફ (Indian Navy Chief) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વર્તમાન નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહનું સ્થાન લેશે.
કરમબીર સિંહ થઈ રહ્યા છે નિવૃત્તિ
આર હરિ કુમાર હાલમાં નૌકાદળના પશ્ચિમી કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, આર હરિ કુમાર વર્તમાન નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહની નિવૃત્તિ બાદ 30 નવેમ્બરે નૌકાદળની કમાન સંભાળશે.
30 નવેમ્બરના રોજ સંભાળશે કાર્યભાર
આ સાથે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઇસ એડમિરલ આર હરિ કુમારને આગામી નેવી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. આ આદેશ 30 નવેમ્બરના રોજ અમલમાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, એડમિરલ સિંહ પછી સૌથી વરિષ્ઠ અધિકારી વાઈસ એડમિરલ અનિલ કુમાર ચાવલા છે, જેઓ દક્ષિણ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ છે, પરંતુ તેઓ પણ 30 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.
એડમિરલ કુમાર સૌથી વરિષ્ઠ નેવલ ઓફિસર
તેમણે કહ્યું કે, વાઈસ એડમિરલ ચાવલા બાદ વાઈસ એડમિરલ કુમાર સૌથી વરિષ્ઠ નેવલ ઓફિસર છે. વાઇસ એડમિરલ કુમારનો જન્મ 12 એપ્રિલ 1962ના રોજ થયો હતો. તેઓ 1 જાન્યુઆરી, 1983ના રોજ ભારતીય નૌકાદળની કાર્યકારી શાખામાં જોડાયા હતા. નેવીમાં લગભગ 39 વર્ષના લાંબા અને નોંધપાત્ર કાર્યકાળમાં વાઈસ એડમિરલ કુમારે ઘણી જવાબદારીઓ નિભાવી હતી. તેઓ વાઈસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ચીફ ઓફ પર્સનલ પણ હતા. તેઓ નેવલ વોર કોલેજ ગોવાના કમાન્ડન્ટ પણ રહી ચૂક્યા છે. તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: