પીલીભીત : એક પચાસ વર્ષની મહિલા એક યુવકના પ્રેમમાં પડી અને પતિને રસ્તામાંથી હટાવવા હત્યા જેવો ગુનો આચરી દીધો છે. પતિ તેના પ્રેમપ્રકરણમાં અવરોધ બનવા લાગ્યો ત્યારે પત્નીએ પતિની ઊંઘમાં જ હત્યા કરી નાંખી હતી.. ઘરમાં ખાટલા પર સૂતા પતિને દોરડા વડે બાંધી દઇ પછી કુહાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતદેહનો નિકાલ કરવા માટે પાંચ ટુકડા કરવામાં આવ્યા હતાં. આ ટુકડાઓને બોરીમાં ભરીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતાં. આ ઘટના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના શિવનગર ગામનો છે.
પોલીસે શરીરના ટુકડાઓ ગોતી લીધાં :ઘટના બાદ મહિલાએ તેના પતિના ગુમ થવા અંગે પરિવારને જાણ કરી હતી. પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો મહિલાનું આખું રહસ્ય ખુલ્યું. ઘટના સોમવાર રાતની છે. ગુરૂવારથી કેનાલમાં મૃતદેહનો શોધખોળ ચાલી રહી હતી. શુક્રવારે પોલીસે મૃતદેહના તમામ ટુકડાઓ કબજે કર્યા હતાં.
55 વર્ષીય રામપાલ ગામમાં રહેતો હતો. તે ખેતીકામ કરતો હતો. પરિવારમાં પત્ની દુલારો (50) ઉપરાંત ચાર પુત્રી અને બે પુત્ર છે. ત્રણ દીકરીઓ પરણેલી છે. બંને પુત્રો પણ પરિણીત છે. રામપાલના બે ઘર છે. એક ઘરમાં બંને પુત્રો તેમના પરિવાર સાથે રહે છે, જ્યારે બીજા ઘરમાં રામપાલ તેની પત્ની દુલારો સાથે રહે છે. દુલારોનું બરેલીના એક યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. રામપાલને આ વાતની જાણ થતાં તેણે વિરોધ કર્યો હતો. આવી સ્થિતિમાં દુલારોએ તેના પતિને રસ્તામાંથી દૂર કરવાનું કાવતરું ઘડ્યું હતું...અતુલ શર્મા(પોલીસ અધિક્ષક)
પૂછપરછમાં પોલીસને શંકા ગઇ : રામપાલ સોમવારે રાત્રે ખાટલા પર સૂતો હતો. આ દરમિયાન દુલારોએ તેને દોરડાથી બાંધી દીધો હતો. નિંદ્રામાં હોવાથી રામપાલને ખબર ન રહી. આ પછી દુલારોએ રામપાલ પર કુહાડીથી હુમલો કરીને તેની હત્યા કરી નાખી. રામપાલના મૃતદેહનો નિકાલ કરવા માટે દુલારોએ કુહાડીથી જ પાંચ ટુકડા કર્યાં હતાં. ત્યાર બાદ આ ટુકડાઓ એક બોરીમાં ભરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે વહેતી નિગોહી શાખા નહેરમાં ફેંકી દીધાં. મંગળવારે સવારે દુલારોએ પરિવારને જણાવ્યું કે રામપાલ ક્યાંક ગયો છે. આ પછી લોકોએ શોધખોળ શરૂ કરી. પત્તો ન મળવા પર પુત્ર સોમપાલે બુધવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દુલારોની પૂછપરછ કરતાં પોલીસને તેના પર શંકા થવા લાગી. તે પોલીસના પ્રશ્નોમાં ઘેરાઈ ગઈ. આ પછી સમગ્ર સત્ય સામે આવ્ું જેમાં તેણે હત્યાનો ગુનો પણ સ્વીકાર્યો હતો. ગુરુવારથી પોલીસ કેનાલમાં મૃતદેહના ટુકડા શોધી રહી હતી ત્યારે શુક્રવારે તમામ પાંચ ટુકડાઓ મળી આવ્યા હતાં. પુત્રનો આરોપ છે કે દુલારો તેના પ્રેમી સાથે રહેવા રહેવા માગતી હતી. તે ઘરનો સામાન પણ તેના પ્રેમીના ઘેર લઈ જવા માંગતી હતી. તેના પિતા તેનો વિરોધ કરતા હતાં.
પતિ રોજ મારતો, બીજો રસ્તો ન હતો : પોલીસની પૂછપરછમાં દુલારોએ જણાવ્યું કે, 'પતિ રામપાલ અવારનવાર મારતો હતો. બીજા ઘરમાં રહેવાને કારણે તેને બચાવવા પણ કોઈ આવી શક્યું ન હતું. ક્યારેક પડોશીઓ બચાવમાં આવતા. આનાથી પરેશાન થઈને સોમવારે રાત્રે જ્યારે રામપાલ સૂઈ ગયો ત્યારે મેં તેને ખાટલા સાથે બાંધી દીધો. આ પછી માથામાં કુહાડીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. આ પછી રામપાલના શ્વાસની તપાસ કરી કે તે જીવિત છે કે કેમ. તેમના શ્વાસ બંધ થયા બાદ મૃતદેહનો નિકાલ કરવાનો પડકાર હતો. પકડાઈ ન જવાય એટલે એ જ કુહાડીથી મૃતદેહના પાંચ ટુકડા કરી નાખ્યા. આ પછી બોરીઓમાં ભરીને કેનાલમાં ફેંકી દીધાં હતાં. જે બાદ તે ઘરે આવીને સૂઈ ગઈ હતી. આ પછી મંગળવારે સવારે જાગ્યા પછી કુહાડી પરના લોહીના નિશાન દૂર કર્યા હતાં.
મૃતદેહના ટુકડા નહેરમાંથી મળ્યાં : મહિલાની બતાવેલી જગ્યા પર પોલીસ નિગોહી બ્રાન્ચ કેનાલ પર પહોંચી અને ગુરુવારે મૃતદેહની શોધખોળ શરૂ કરી. કેનાલના કિનારે જ લોહીના ખાબોચિયા અને કપડાં મળી આવ્યા હતા. પોલીસે ગોતાખોરોની મદદથી લાશને શોધવા ઝુંબેશ ચલાવી હતી. શુક્રવારે સવારે પોલીસે દેવરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરમાંથી હાથ અને પગ સહિત મૃત શરીરના ટુકડાઓ મેળવ્યાં, તે પછી અન્ય ટુકડાઓ પણ મળી આવ્યા હતાં.
ત્રણ મહિના પહેલાં ઘેરથી જતી રહી હતી દુલારો : પોલીસ પૂછપરછ દરમિયાન દુલારોએ પોલીસને જણાવ્યું કે તેને બરેલી જિલ્લાના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તે 3 મહિના પહેલાં તેના પરિવારજનોને જાણ કર્યા વિના જ ઘર છોડીને ચાલી ગઈ હતી. એક અઠવાડિયા પછી તે ઘરે પાછી આવી હતી. પોલીસ અધિક્ષક અતુલ શર્માએ વધુમાં જણાવ્યું કે પોલીસને એક ગ્રામીણ ગુમ થવાની ફરિયાદ મળી હતી. તપાસમાં મૃતકની પત્નીની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી. પત્નીએ હત્યાની કબૂલાત કરી છે. મૃતદેહના ટુકડા મળી આવ્યા છે તેે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.