- લુણાવાડાના 5 યુવકો પહોંચ્યા હતાં પ્રવાસે
- બે યુવકોનું ડેમમાં ડુબવાથી થયું મૃત્યુ
- એક યુવકનો મળ્યો મૃતદેહ
ડુંગરપુર: ધંબોળા વિસ્તારમાં અમરપુરા ડેમ પર પિકનિક મનાવવા ગયેલા પાંચ મિત્રોમાંથી બે મિત્રો ડેમમાં ડુબી ગયા હતાં. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી ગયો છે જ્યારે અન્ય એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.
તરતા આવડતું હતું તે જ 2 યુવાન ડુબ્યા
ધંબોળા પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતના મહિસાગર જિલ્લાના લુણાવાડાના 5 મિત્રો ફરવા માટે ડુંગરપુરના ધંબોળાના અમરપુર ડેમ ખાતે આવ્યા હતાં. પાંચેય મિત્રો ડેમમાં નહાવા માટે ઉતરી ગયા હતાં. 3 યુવકોને તરતા ન હતું આવડતું આથી તેઓ કિનારા પર જ તરી રહ્યાં હતાં. જ્યારે અન્ય બે યુવકોને તરતાં આવડતું હોવાથી તેઓ ઉંડા પાણીમાં ગયાં હતાં. જ્યાં ડૂબી જવાથી બંને યુવકોનું મૃત્યુ થયું હતું
એક યુવકનો મળ્યો મૃતદેહ
બંને મિત્રોને ડૂબતા જોઇએ અન્ય મિત્રોએ રાડારાડી કરી હતી જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. સ્થાનિકોએ ઘટના અંગે ધંબોલા પોલીસને માહિતી આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘણી મહેનત બાદ પોલીસે એક યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મોડી સાંજ સુધી બીજા યુવકનો મૃતદેહ મળ્યો ન હતો જો કે પોલીસે આ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું છે.
આ પણ વાંચો : ભરૂચના હાંસોટના આલીયાબેટ ખાતે દરિયામાં ન્હાવા ગયેલ ચાર યુવાનો પાણીમાં ડુબ્યા