ઉત્તરપ્રદેશ : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં શનિવારની રાત્રે ઠંડીથી બચવા માટે લાગેલી આગને કારણે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. આગના તણખાને કારણે ઝૂંપડામાં આગ લાગી હતી. આ દરમિયાન સૂતેલા બે બાળકો જીવતા સળગી ગયા હતા. તે જ સમયે એક બાળકી અને તેના પિતા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે.
તાપણાને કારણે આગ લાગી : મામલો જસરાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડીત ગામનો છે. ગામની બહાર બંજારા વસાહત છે. અહીં એક ઝૂંપડામાં રહેતો સલીમ તેના બાળકો દોઢ વર્ષના અનીશ, અઢી વર્ષની બાળકી રેશ્મા અને પાંચ વર્ષની બાળકી સામના સાથે સૂતો હતો. મળતી માહિતી મુજબ, ઠંડીથી બચવા માટે તાપણું કરવામાં આવ્યું હતું. આશંકા છે કે તાપણા માંથી નીકળેલા તણખાને કારણે રાત્રે દસ વાગ્યે ઝૂંપડામાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગમાં સલીમ અને તેના બાળકો દાઝી ગયા હતા. ઝૂંપડામાં સૂતેલા લોકોને બહાર કાઢવાની કોઈ તક મળી ન હતી.
આગ પર કાબુ ન મેળવી શકાયો : ગ્રામજનોએ પણ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. આગ પર કાબૂ મેળવી શકાયો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ઘટના અંગે ગ્રામજનોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે તમામ દાઝી ગયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા, જેમાંથી ડોક્ટરે અનિશ અને બાળકી રેશ્માને મૃત જાહેર કર્યા, જ્યારે બાળકી સામના અને તેના પિતા સલીમની હાલત પણ નાજુક જાહેર કરવામાં આવી.
બે બાળકોના મોત થયા : ઠંડીથી બચવા આગ લગાડવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની શંકા સેવાઈ રહી છે. એસપી દેહત કુંવર રણ વિજય સિંહે જણાવ્યું કે જસરાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ખડિત નજીક બંજારા ડેરામાં રાત્રે 8.30 વાગ્યે આગ લાગી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઝૂંપડામાં ફસાયેલા તમામ દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં મોકલ્યા હતા. બે બાળકોના મોત થયા છે. અન્ય દાઝી ગયેલા લોકોની સારવાર ચાલી રહી છે.