ભુવનેશ્વરઃ ઓડિશાના બાલાસોરમાં ચાર મહિના પહેલા ગમખ્વાર રેલ અકસ્માત થયો હતો. જેમાં કુલ 297 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. જેમાંથી 269 મૃતદેહોને તેમના વાલીવારસને સોંપવામાં આવ્યા હતા. જ્યારે 28 મૃતદેહો બિનવારસી હાલતમાં છે. આ બિનવારસી મૃતદહોના અંતિમ સંસ્કાર માટે ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને સોંપવામાં આવશે. BMC દ્વારા બિનવારસી મૃતદેહોને વૈજ્ઞાનિક રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવશે. જેના માટે BMCએ એક SOP જાહેર કરવામાં આવી છે.
SOP જાહેરઃ BMC દ્વારા ભુવનેશ્વર AIIMSમાંથી ભરતપુરના સત્યનગરના સ્મશાન સુધી આ મૃતદેહોને લાવવા માટેની સગવડ પણ કરવામાં આવશે. મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે હ્યુમન રાઈટ્સ કમિશનના નિયમોને આધારે AIIMSના ડાયરેક્ટર સત્તાવાર રીતે ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સોંપશે. BMCની એસઓપી અનુસાર સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી થશે.
5 ડીપ ફ્રીઝરમાં મૃતદેહોઃ ભુવનેશ્વર AIIMS હોસ્પિટલમાં કુલ 162 મૃતદેહોને લાવવામાં આવ્યા હતા. જેમાંથી 81 મૃતદેહો પ્રથમ તબક્કામાં તેમના વાલીવારસને સોંપી દેવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં 53 મૃતદેહોની સોંપણી કરવામાં આવી હતી.જ્યારે 28 મૃતદેહો એવા છે કે જેમના કોઈ વાલીવારસ મળી આવ્યા નથી. તેથી તેમને બિનવારસી મૃતદેહો જાહેર કરવામાં આવ્યા છે. AIIMS હોસ્પિટલમાં પ્રદિપ પોર્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત 5 ડીપ ફ્રીઝરમાં આ બિનવારસી મૃતદેહોને સાચવવામાં આવ્યા છે.
ગમખ્વાર રેલ અકસ્માતઃ શાલિમાર-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમન્ડલ એક્સપ્રેસ, બેંગાલુરૂ-હાવરા એક્સપ્રેસ અને એક ગૂડ્સ ટ્રેન વચ્ચે 2 જૂનના રોજ ગમખ્વાર અકસ્માત થયો હતો. એક ઊભેલી ગૂડ્સ ટ્રેન સાથે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ધડાકાભેર ટકરાઈ હતી. ત્યારબાદ આ બંને અકસ્માતગ્રસ્ત ટ્રેન સાથે બેંગાલુર હાવરા એક્સપ્રેસ ટ્રેન અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માત બહાનાગા બઝાર સ્ટેશન પાસે થયો હતો. આ રેલ અકસ્માતમાં કુલ 297 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા.