નવી દિલ્હી: સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા નવી સંસદ ભવન પર દેશનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરકાવવામાં આવશે. સરકારે સંસદનું આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે નવી સંસદ ભવન પર તિરંગો ફરકાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજાનો દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે.
સંસદનું વિશેષ સત્ર: સામે આવેલી માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા નવા સંસદ ભવનનાં ગેટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. 18 સપ્ટેમ્બરે સરકાર દ્વારા અમૃત કાળને લઈને બોલાવવામાં આવેલા સંસદના વિશેષ સત્રના પહેલા દિવસે સંસદના બંને ગૃહોની કાર્યવાહી પહેલાની જેમ જ જૂની સંસદ ભવનમાં શરૂ થશે અને વિશેષ સત્રના બીજા દિવસથી એટલે કે 19 સપ્ટેમ્બરથી બંને ગૃહોની કાર્યવાહી નવા બિલ્ડિંગમાં થઈ શકશે.
19 સપ્ટેમ્બરે નવા સંસદ ભવનમાં કામકાજ: વિશેષ સત્રના બીજા દિવસે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના અવસર પર પૂજા કર્યા પછી નવા સંસદ ભવનમાં કામકાજ શરૂ થશે. સંસદના વિશેષ સત્રને લઈને તમામ રાજકીય પક્ષો સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. વિશેષ સત્રનો એજન્ડા શું છે તે અંગે વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તમામ વિરોધ પક્ષો જાણવા માંગે છે કે કેન્દ્રની મોદી સરકારે આ સત્ર કયા હેતુથી બોલાવ્યું છે. એવી અટકળો પણ હતી કે સરકાર આ સત્ર દરમિયાન 'એક દેશ એક ચૂંટણી બિલ' લાવી શકે છે. તમામ વિરોધ પક્ષોનું કહેવું છે કે આ રાષ્ટ્રીય હિતમાં નથી.
(વધારાની ઇનપુટ એજન્સી)