નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે કહ્યું કે સરકાર પેસેન્જર કારમાં છ એરબેગ ફરજિયાત બનાવશે નહીં. 29 સપ્ટેમ્બર 2022ના રોજ નીતિન ગડકરીએ કહ્યું હતું કે પહેલા આ નિયમ 2022માં જ લાગૂ થવાનો હતો પરંતુ પછી તેને એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો.
શું કહ્યું નીતિન ગડકરીએ: જોકે, વાહન કંપનીઓ તેનું પાલન ફરજિયાત બનાવવાના પક્ષમાં ન હતી. તેમણે કહ્યું કે છ એરબેગ્સ ફરજિયાત બનાવવાથી ખાસ કરીને નાની કારની કિંમતમાં વધારો થશે. એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે ગડકરીએ એરબેગ્સ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું અને કહ્યું, "અમે કાર માટે છ એરબેગ્સનો નિયમ ફરજિયાત બનાવવા માંગતા નથી."
ફરજિયાત ન કરવાનું કારણ: કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે અગાઉ વૈશ્વિક સપ્લાય ચેઇન સમસ્યાઓના કારણે સરકારે આ નિયમને થોડા સમય માટે મુલતવી રાખ્યો હતો. પરંતુ ઓટો ઈન્ડસ્ટ્રી હજુ પણ સપ્લાય ચેઈનની મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. તે જ સમયે, વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હવે એરબેગને ફરજિયાત કરવામાં આવશે નહીં.
કઈ કારમાં ફરજિયાત: એવું નથી કે આ નિયમ સંપૂર્ણ રીતે લાગુ નહીં થાય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર 8 સીટર કાર માટે 6 એરબેગ્સનો નિયમ ફરજિયાત રહેશે. આવી સ્થિતિમાં આ ફેરફાર મોટી MPV અને SUV કારમાં જોવા મળી શકે છે.
એરબેગ કેમ જરૂરી: અકસ્માતના કિસ્સામાં વાહનના નક્કર ભાગો સાથે સીધી ટક્કરથી મુસાફરોને બચાવવામાં એરબેગ મહત્વની ભૂમિકા ભજવે છે. અકસ્માતના કિસ્સામાં, તે બલૂનની જેમ વિસ્તરે છે અને પેસેન્જરને સીધી ટક્કરથી બચાવે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગયા વર્ષે એક નિવેદનમાં કહ્યું હતું કે મુસાફરો માટે મોટર વાહનોને વધુ સુરક્ષિત બનાવવા માટે સુરક્ષા સુવિધાઓ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં પણ સુધારા કરવામાં આવ્યા હતા. 1 એપ્રિલ, 2021થી કારની આગળની બે સીટ માટે એરબેગ્સ ફરજિયાત કરવામાં આવી છે.