2020નાં ટોપ ડાયેટ્સ અને ખોરાક
કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલાં નિયંત્રણોને કારણે લોકોને પોતાના માટે સમય મળ્યો અને ઘણાં લોકોએ તેમના આરોગ્ય અને ફિટનેસ પર ધ્યાન આપ્યું. જેના કારણે આ વર્ષે પોષણ અને વર્કઆઉટને સારું એવું મહત્વ મળ્યું, તેમ કહી શકાય. કેટલાક લોકોએ તેમના રૂટિનમાં વર્કઆઉટને સ્થાન આપ્યું, તો અન્ય લોકોએ તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર અપનાવ્યો. આરોગ્ય પ્રત્યે સજાગ થવાની પ્રક્રિયામાં એક તરફ કેટલાક લોકોએ કિટો ડાયેટ, પાલિયો ડાયેટ તથા મિલીટરી ડાયેટ વગેરે જેવા ડાયેટ્સનું પાલન કર્યું. અને જે લોકો કોઇ ચોક્કસ ડાયેટને વળગી ન રહ્યા, તેઓ જંક ફૂડને બદલે આરોગ્યપ્રદ વિકલ્પોને અનુસર્યા, જેનાથી પણ તેમને આરોગ્યના કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મદદ મળી. ચાલો, 2020ના કેટલાક ટોચના ડાયેટ અને આરોગ્યપ્રદ ફૂડ ટ્રેન્ડ્ઝ પર એક નજર ફેરવી લઇએઃ
ડાયેટ્સ
વર્તમાન સમયમાં પરફેક્ટ ફિગર રાખવા માટે ડાયેટ અનુસરવો એક ટ્રેન્ડ બની ગયો છે, પછી ભલે તેના કારણે કેટલાંક ચોક્કસ પોષક તત્વો જતાં કરવાં પડે. અહીં આ વર્ષના કેટલાક સૌથી લોકપ્રિય ડાયેટ્સ વિશે સમજૂતી આપવામાં આવી છે.
કિટો ડાયેટ
કિટો ડાયેટ સામાન્યપણે સેલિબ્રિટીઝની પ્રથમ પસંદગી ગણાય છે. હાઇ ફેટ અને લો કાર્બ ધરાવતો અને ઝડપથી વજન ઊતારતો આ ડાયેટ આ વર્ષે સામાન્ય જનતામાં ભારે લોકપ્રિય થયો હતો. આ ડાયેટમાં અનાજ, બ્રેડ, આલ્કોહોલ, ડેરી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડથી સદંતર દૂર રહેવામાં આવે છે. આ ડાયેટ આ વર્ષે હેડલાઇનમાં રહ્યો હોવા પાછળનું અન્ય એક કારણ એ છે કે, તેના કારણે એક પ્રાદેશિક અભિનેત્રીનું મોત નીપજ્યું હતું, જેને પગલે આ ડાયેટ તબીબી નિરીક્ષણ હેઠળ જ લેવો જોઇએ તેવી માન્યતા દ્રઢ થઇ હતી અને શરીર પર કિટો ડાયેટની પડતી નકારાત્મક અસરો અંગે ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. આ ડાયેટ કેટલીક આડઅસરો પણ ધરાવે છે, જેમ કે, તેના કારણે પેટની લાંબાગાળાની સમસ્યાઓ સર્જાય છે, શરીર ખેંચાય છે, ઉબકા આવે છે, ગભરામણ થાય છે, સુસ્તી અને શિથિલતા આવે છે.
તૂટક-તૂટક ઉપવાસ
તૂટક-તૂટક ઉપવાસ વ્યક્તિની સુવિધાના આધારે ઘણી બધી રીતે કરી શકાય છે. તેમાંથી બે સૌથી સામાન્ય પ્રકારો આ પ્રમાણે છેઃ પ્રથમ પ્રકારમાં, વ્યક્તિ સવારે હળવો ખોરાક લે છે, બપોરે ઘણો હળવો ખોરાક લે છે અને રાતે ભોજન કરતી નથી. બીજા પ્રકારમાં, વ્યક્તિ સપ્તાહમાં એક કે બે વખત ખાદ્ય પદાર્થનો સંપૂર્ણ ત્યાગ કરે છે. ઘણા લોકોએ લોકડાઉનમાં આ ડાયેટ પ્લાનનું અનુસરણ કર્યું હતું, કારણ કે, આ ડાયેટ વજન ઘટાડવામાં, શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં, યાદશક્તિ સતેજ કરવામાં અને દીર્ઘાયુષ્ય માટે મદદરૂપ બને છે. પણ એ યાદ રાખવું જોઇએ કે, લાંબા સમય સુધી બિનજરૂરી ઉપવાસ કરવાથી કિડની અને પેન્ક્રિયાટિક કાર્યો પર તેની નકારાત્મક અસર પડે છે અને શરીરને કાર્યરત રાખવા માટે જરૂરી હોય, તેવાં બોડી ફેટ્સનું પ્રમાણ ઘટાડી દે છે. આ બોડી ફેટ ઘટવાથી મુખ્યત્વે ત્વચા અને મગજ પર અસર થાય છે.
મિલિટરી ડાયેટ
ઓછી કેલેરી ધરાવતો મિલિટરી ડાયેટ પણ આ વર્ષે ઘણો લોકપ્રિય થયો હતો, કારણ કે, આ ડાયેટનું સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ પાલન કરવાનું હોય છે અને બાકીના ચાર દિવસ સામાન્ય ખોરાક આરોગી શકાય છે. પ્રથમ ત્રણ દિવસ સુધી વ્યક્તિએ 1100-1200 કરતાં ઓછી કેલેરી લેવાની રહે છે અને બાકીના ચાર દિવસ માટે 1800 કેલેરી લેવાની રહે છે. આ ડાયેટ ત્રણ દિવસમાં બે કિલો જેટલું વજન ઘટાડવામાં ઉપયોગી નીવડે છે.
સર્ટફૂડ ડાયેટ
કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં આ ડાયેટ તમામ ડાયેટ્સમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે હોય તેવા ખોરાકના સેવનનો સમાવેશ થાય છે. આ ડાયેટ શરીરનો ફેટ ઘટાડવામાં મદદરૂપ થાય છે અને તે રીતે તે વજન ઘટાડવામાં ઉપયોગી નીવડે છે. સર્ટફૂડ ડાયેટમાં ગ્રીન ટી, હળદર, સફરજન, પાર્સલી, ખાટાં ફળો, બ્લ્યુબેરી, સોયા, ડાર્ક ચોકલેટ, કેળાં અને ઓલિવ ઓઇલના સેવનનો સમાવેશ થાય છે, જે શરીરમાં સર્ટ્યુફિન પ્રોટીનની કામગીરી વધારવામાં મદદરૂપ થાય છે. સર્ટ્યુઇન પ્રોટીન પાચનક્રિયાને અસર કરનારા, ઇન્ફ્લેમેશન ઉત્પન્ન કરનારા અને ત્વચાના એજિંગનું કારણ બનતા કોષો સામે આપણા શરીરને રક્ષણ પૂરું પાડે છે.
અન્ય કેટલાક ડાયેટ્સમાં પાલિયો ડાયેટ, એટકિન્સ ડાયેટ અને ડેશ ડાયેટનો સમાવેશ થાય છે, જે પણ મુખ્યત્વે વવજન ઊતારવા માટે ઘણા લોકો દ્વારા અનુસરવામાં આવે છે.
પોષણ
કોરોના આપણી રોગપ્રતિકારક શક્તિ ઉપર હુમલો કરતો હોવાથી આ વર્ષે લગભગ દરેક વ્યક્તિએ ખાવા-પીવા પર ઘણું ધ્યાન આપ્યું હતું. આહારમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાકનું સેવન વધી ગયું હતું. ડોક્ટરો પણ વિટામિન-સી, વિટામીન ડી તથા અન્ય મલ્ટિવિટામીન સપ્લિમેન્ટ્સના કોર્સની ભલામણ કરી હતી. આ ડાયેટ્સને અનુસરવા પાછળ વજન ઊતારવાની સાથે તંદુરસ્ત રહેવાનો પણ ઉદ્દેશ હતો. આમ, અહીં 2020 દરમિયાન લોકો સામે આવેલી કેટલીક સમસ્યાઓ અને હાથવગા બનેલા ખાદ્ય પદાર્થોની વિગતો અહીં રજૂ કરવામાં આવી છેઃ
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે
સમગ્ર વર્ષ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવાનું ઘણું મહત્વ રહ્યું, ત્યારે લોકોએ ભરપૂર માત્રામાં ખાટાં ફળો અને વિટામીન સીનું પ્રમાણ વધારે હોય તેવા ખોરાકનું સેવન કર્યું. લીંબુ, નારંગી, આમળાં, કીવી, દામ, મોસંબી, સફરજન વગેરે જેવાં વિટામીન સી વિપુલ માત્રામાં ધરાવનારાં ફળોનો આહારમાં સમાવેશ કરવામાં આવ્યો. લોકો તુલસી, લસણ, અળસી, બોર, બિન્સ, વગેરે જેવાં એન્ટિઓક્સિડેટિવ પદાર્થો તરફ વળ્યા. આ ઉપરાંત લોકોએ વિટામિન ડી, પ્રોટીન અને ઝિન્ક જેવાં પોષક તત્વો ધરાવતા પદાર્થોનો પણ તેમના રોજિંદા આહારમાં સમાવેશ કર્યો.
અનિદ્રા માટે
ઘરમાં કેદ થઇ જવાને કારણે અને ભવિષ્યની અનિશ્ચિતતાઓથી ચિંતિત થવાને કારણે ઘણાં લોકો તણાવ, હતાશા અને બેચેની જેવી સમસ્યાઓનો ભોગ બન્યા, જેના કારણે તેમને અનિદ્રા સતાવવા માંડી. હૂંફાળું દૂધ, સૂકો મેવો, કેમોમાઇલ ટી, કીવી, ફેટ્ટી ફિશ વગેરે જેવો ખોરાક ઉપયોગી પુરવાર થયો.
મૂડ સુધારવા માટે
આપણે જે પણ ખોરાક આરોગીએ, તેની આપણા શરીર ઉપરાંત આપણા માનસિક આરોગ્ય પર પણ અસર પડતી હોય છે. આપણે જાણીએ છીએ તેમ, આ વર્ષે માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની યાદીમાં તણાવ, હતાશા અને ચિંતા ટોચ પર રહ્યાં હતાં. આવે વખતે ઇંડા, ડાર્ક ચોકલેટ, દહીં, ગ્રીન ટી, સૂકો મેવો, કોફી, કેસર, બિન્સ વગેરે જેવા પદાર્થો વ્યક્તિના મૂડને સુધારવામાં ઉપયોગી નીવડ્યા હતા.
ઊર્જા વધારવા માટે
આખો દિવસ ઘરે રહેવાથી લોકોમાં સુસ્તી આવી ગઇ હતી અને તેમના મોટાભાગના દિવસો કોઇ ખાસ પ્રયોજન કે ખાસ કામગીરી વિના પસાર થતા હતા. પરંતુ, કેળાં, સફરજન, કોફી, સ્ટ્રોબેરી, ડાર્ક ચોકલેટ, સૂકો મેવો, લીલાં પાંદડાંવાળાં શાકભાજી વગેરે ખોરાક વ્યક્તિને ઊર્જાસભર બનાવવામાં ઉપયોગી નીવડ્યા હતા.
એક જાણીતી ઉક્તિ છે, “આપણે આપણા આહારનું પ્રતિબિંબ છીએ”, આપણો આહાર આપણા આરોગ્ય પર પ્રતિબિંબિત થાય છે. સારો અને તંદુરસ્ત આહાર તમારા મૂડને સુધારી શકે છે અને તમને આખો દિવસ ઊર્જાવાન રાખે છે. જ્યારે બીજી તરફ, બિનઆરોગ્યપ્રદ ખોરાક તમને નિમ્ન સ્તરે લઇ જાય છે અને તમારૂં વજન વધારે છે. આથી, પ્રોબાયોટિક, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ, ઓમેગા ૩ ફેટ્ટી એસિડ્ઝ, એન્ટિઓક્સિન્ટ્સ, ફોલેટ, વિટામિન એ, સી અને ડી, પ્રોટીન, ઝિન્ક, મેગ્નેશિયમ તથા અન્ય જરૂરી પોષણ તત્વોથી ભરપૂર આહાર એ તંદુરસ્ત જીવનની ચાવી છે.