નવી દિલ્હી: રેલવે કર્મચારીઓની માનસિક સમસ્યાઓના ઉકેલ માટે ટૂંક સમયમાં ટોલ ફ્રી નંબર અને એપ લોન્ચ (Toll free number for solving mental problems of railway employees) કરવામાં આવશે. રેલ્વે કર્મચારીઓના સૌથી મોટા યુનિયન ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશન (એઆઈઆરએફ)ના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુનિયને દેશમાં 125 એવા લોકોની ઓળખ કરી છે જેમની પાસેથી માનસિક (mental problem) તણાવ વિશે વાત કરવા ઈચ્છતા કર્મચારીઓ સલાહ લઈ શકે છે.
વેબિનાર યોજાયો હતો : યુનિયન દ્વારા ગુરુવારે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર વેલબીઇંગ વેબિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મિશ્રાએ કહ્યું, ટૂંક સમયમાં એક ટોલ ફ્રી નંબર પણ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા અમે કર્મચારીઓ અને તેમના પરિવારોને સીધી સલાહ પણ આપી શકીશું. અમે ટૂંક સમયમાં પોસ્ટરો અને અન્ય જાગૃતિ સામગ્રી પ્રકાશિત કરીશું.
કર્મચારીઓની માનસિક સમસ્યા : વેબિનાર દરમિયાન મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે જ્યારે કોઈ રેલવે કર્મચારી કામ પર જાય છે, ત્યારે તે ખૂબ જ આનંદ સાથે જાય છે. પરંતુ જ્યારે તે પાછો આવે છે ત્યારે તે ચિડાઈ જાય છે. તેથી તે કામના કલાકો અથવા કાર્યસ્થળ પર સમસ્યાઓના કારણે હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે રેલ્વે કર્મચારીઓ કોરોના વાયરસ રોગચાળા દરમિયાન કામ કરતા હતા, ત્યારે તેમનો આખો પરિવાર દરરોજ ખરાબ સમાચાર આવવાની સંભાવનાથી ચિંતિત હતો.
આત્મહત્યાની ઘટના : મિશ્રાએ કહ્યું, આવી સ્થિતિમાં માત્ર રેલવે કર્મચારીઓ જ નહીં પરંતુ સમગ્ર પરિવાર તણાવમાં રહેતો હતો. અનેક જગ્યાએ આત્મહત્યાની ઘટનાઓ બની છે. આ જ કારણ છે કે, AIRF એ નિર્ણય લીધો છે કે હવે અમે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ કામ કરીશું.