- ગત વર્ષે વેન્ટિલેટર ખૂટતા ઓટોમોબાઈલ્સ કંપનીઓએ બનાવી આપ્યા હતા
- આ વર્ષે ઓક્સિજનની અછત સર્જાતા રિલાયન્સ સહિત સ્ટીલ ઉત્પાદકો વહારે આવ્યા
- કેન્દ્ર સરકાર વધી રહેલી માગને લઈને 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજન આયાત કરશે
મુંબઈ: ગત વર્ષ કરતા ભારતમાં આ વર્ષે કોવિડ-19 સંક્રમણની લહેર ખૂબ જ તીવ્ર બની છે. ભારતે દેશભરમાં વધી રહેલી ઓક્સિજનની માગને લઈને સંઘર્ષ કરી રહેલા હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય આપવા માટે બાંયો ચઢાવી છે. અહેવાલો અનુસાર, દેશભરમાં ઓક્સિજનની વધી રહેલી માગને લઈને જાહેર તેમજ ખાનગી ક્ષેત્રના મોટાભાગના ઓક્સિજન ઉત્પાદકોએ પોતાનો તમામ ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ ઓક્સિજનનો સપ્લાય મેડિકલ ક્ષેત્રને પહોંચાડવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો: સુરતના એક વેપારીએ ઓક્સિજનની નાની બોટલ નિ:શુલ્ક આપવાનો નિર્ણય કર્યો
સ્ટીલ પ્લાન્ટ પાસેથી રોજના રોજ ઓક્સિજનનો જથ્થો મેળવાશે
કેન્દ્ર સરકારે દેશમાં ઓક્સિજનના પુરવઠાનું નિરીક્ષણ કર્યા બાદ જાહેર કરેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે, હવેથી મહારાષ્ટ્ર રોજ મહારાષ્ટ્રના ડોલવી, છત્તીસગઢના ભિલાઈ અને કર્ણાટકના બેલ્લારીમાં આવેલા સ્ટીલ પ્લાન્ટ પાસેથી ઓક્સિજનનો પુરવઠો મેળવી શકશે. આ જ રીતે મધ્ય પ્રદેશ પણ છત્તીસગઢમાં આવેલા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ પાસેથી ઓક્સિજનનો જથ્થો મેળવી શકશે.
રિલાયન્સ મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન અપાશે
રિલાયન્સ દ્વારા પોતાના જામનગર પ્લાન્ટ ખાતેથી ગુજરાત અને મહારાષ્ટ્રને ઓક્સિજનનો જથ્થો મોકલવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે, મુકેશ અંબાણીની કંપની અંદાજે 100 મેટ્રિક ટન ઓક્સિજન રાજ્યને પૂરુ પાડશે. રિલાયન્સના એક અધિકારીએ નામ ન આપવાની શરતે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવાની વાતને સમર્થન આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજનની આયાત કરવાની વાત ચાલી રહી હોય, ત્યારે કોર્પોરેટ કંપનીઓ તરફથી કરવામાં આવી રહેલી આ મદદ ખૂબ જ સરાહનીય બાબત કહેવાય.
આ પણ વાંચો: લાયન્સ ક્લબે પોર્ટેબલ ઓક્સિજન મશીન બેન્કનું કર્યું લોન્ચિંગ
ઓક્સિજનની આયાત અંગે સરકાર દ્વારા વિચાર વિમર્શ શરૂ
દેશભરમાં વધી રહેલી ઓક્સિજનની માગને લઈને EG2(એમ્પાવર્ડ ગૃપ 2) દ્વારા 50 હજાર મેટ્રિક ટનની આયાત કરવા માટે ટેન્ડર ભરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર વિભાગ દ્વારા હજુ સુધી ટેન્ડર પસંદગી કરવાનું બાકી રાખવામાં આવ્યું છે. સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, તેઓ હાલ ઓક્સિજનની આયાત અંગેની સંભાવનાઓ અંગે વિચાર વિમર્શ કરી રહ્યા છે.
ગત વર્ષે વેન્ટિલેટરની માગને પહોંચી વળવા ઓટોમોબાઈલ કંપનીઓ આગળ આવી હતી
ભારત સહિત સમગ્ર વિશ્વ જ્યારે ઈતિહાસમાં પ્રથમ વખત સર્જાયેલી આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે ભારતની કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓએ આગળ આવીને દેશમાં વધી રહેલી વેન્ટિલેટરની માગને પહોંચી વળવા માટે મદદ કરી હતી. મારુતિ સુઝુકી તેમજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા તેમની એસેમ્બલી લાઈન અને કર્મચારીઓને ટ્રેનિંગ આપીને વેન્ટિલેટર બનાવવાના શરૂ કરાયા હતા. UKની MG મોટર્સે વડોદરાની AB ઈન્ડસ્ટ્રીઝ સાથે ટાઈ-અપ કરીને અંદાજે 1300 વેન્ટિલેટર્સ બનાવ્યા હતા.