નવી દિલ્હી: દેશમાં શ્રીમંત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને હવે ભારત યુએસ (748) અને ચીન (554) પછી 145 અબજોપતિ સાથે વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વર્ષ 2021માં શ્રીમંત લોકોની સંખ્યામાં 11 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. લોકોના આ જૂથમાં રિયલ એસ્ટેટ રોકાણનો પસંદગીનો વિકલ્પ છે, પરંતુ ક્રિપ્ટોકરન્સીએ પણ ઝડપથી તેમના રોકાણ પોર્ટફોલિયોમાં સ્થાન મેળવ્યું છે. આ માહિતી રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ એજન્સી 'નાઈટ ફ્રેન્ક' (Knight frank India Report)દ્વારા તેના પ્રોપર્ટી રિપોર્ટ 2022 (Property report 2022)માં આપવામાં આવી છે.
11 ટકાનો વધારો
આ રિપોર્ટ અનુસાર, શેરબજારમાં આવેલી તેજી અને ડિજિટલ ક્રાંતિના કારણે દેશમાં ગયા વર્ષે US $30 મિલિયન (લગભગ રૂ. 226 કરોડ) અથવા તેનાથી વધુ સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં થયો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં ઊંચી નેટવર્થ ધરાવતા અમીરોની સંખ્યા 2021માં 13,637 પર પહોંચી ગઈ છે. જે અગાઉના વર્ષમાં 12,287 હતી. આમાં, ખૂબ જ અમીર લોકોની સંખ્યામાં સૌથી વધુ વધારો બેંગ્લોરમાં જોવા મળ્યો જ્યાં તેમની સંખ્યા 17.1 ટકા વધીને 352 થઈ ગઈ. તે પછી દિલ્હી (12.4 ટકા વધીને 210) અને મુંબઈ (9 ટકા વધીને 1,596) આવે છે.
આ પણ વાંચો: Gujarat Budget 2022: જનકલ્યાણવાળું બજેટ, નાણાંપ્રધાને બજેટમાં ખૂબ મહેનત કરી : રાજેન્દ્ર ત્રિવેદી
નાઈટ ફ્રેન્કનો અહેવાલ જણાવે છે કે, અત્યંત શ્રીમંતોની લગભગ 30 ટકા સંપત્તિ પ્રાથમિક અને માધ્યમિક ઘરો ખરીદવા માટે વપરાય છે. રોકાણપાત્ર મૂડીના 22 ટકા કોમર્શિયલ પ્રોપર્ટીની સીધી ખરીદીમાં રોકાણ (Property Investment) કરવામાં આવ્યું હતું. આ સિવાય આઠ ટકા સંપત્તિ વિદેશમાં પણ ખરીદી હતી. રિપોર્ટ અનુસાર, ભારતના 10 ટકા અમીર લોકો વર્ષ 2022માં નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. ભારતીય બજારમાં ઘર ખરીદવું તેમના માટે પ્રથમ પસંદગી છે. વૈશ્વિક સ્તરે ખૂબ જ અમીર લોકોમાંથી 21 ટકા લોકો આ વર્ષે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. આ રિપોર્ટ કહે છે કે, વર્ષ 2021માં 18 ટકા શ્રીમંતોએ ક્રિપ્ટોકરન્સી એસેટ્સમાં રોકાણ કર્યું હતું જ્યારે 11 ટકા ધનિકોએ NFTsમાં રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો: WAR 7th Day : રશિયા અને યુક્રેન વચ્ચે આજે બીજા રાઉન્ડની થશે વાતચીત
પાછલા વર્ષમાં ક્રિપ્ટોકરન્સી મુખ્ય પ્રવાહનું રોકાણ બની રહી હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. જો કે, સર્વેમાં ભાગ લેનારાઓમાંથી એક તૃતીયાંશ લોકોમાં ક્રિપ્ટોકરન્સી અંગેની સુરક્ષાની ચિંતા રહે છે. આ ઉપરાંત ખૂબ જ શ્રીમંત ભારતીયો પણ તેમના 11 ટકા રોકાણ આર્ટ, જ્વેલરી, ક્લાસિક કાર અને ઘડિયાળોમાં લગાવે છે. આ અહેવાલ મુજબ, આ વસ્તુઓની માલિકી સાથે સંકળાયેલ આનંદ આ રોકાણ પરના વળતર કરતાં ઘણું મોટું પરિબળ છે. આમાં પણ કલાત્મક વસ્તુઓ પરના રોકાણને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.