નવી દિલ્હી: ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે(election Commissioner PC schedule ). એવી સંભાવના છે કે ચૂંટણી કમિશન ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખો જાહેર કરી શકે છે(Gujarat Assembly Election 2022).
ડિસેમ્બરમાં કાર્યકાળ સમાપ્ત થશે ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થાય છે. હાલ રાજ્યોમાં ભાજપની સરકાર છે. 2017ની ચૂંટણીમાં ભાજપે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. જો કે સપ્ટેમ્બર 2021માં રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
બહુમતી માટે 92 સીટ જરૂરી ગુજરાતમાં 2017માં 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી મતદાન થયું હતું. પરિણામ 18 ડિસેમ્બરે બહાર આવ્યું હતું. ગુજરાત વિધાનસભામાં બહુમતી માટે 92 બેઠકો જરૂરી છે. સંજોગો વસાત કોંગ્રેસ તેમજ અન્ય પક્ષના નેતાઓ અમુક કારણોસર પોતાના પક્ષ માંથી છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા હતા. જેનાથી 2022માં પણ પેટા ચૂંટણી યોજાઇ હતી, જેનાથી તમામ પક્ષોની સીટમાં ફેરબદલ થયા હતા. જેમાં વાત કરવામાં આવે તો, ભાજપને 111, કોંગ્રેસને 63, BTPને 02 NCPને 01, નિર્દલીય 01 અને અધરને 04 સીટ મળી હતી.
તારીખની થશે જાહેરાત આજે માત્ર હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત વહેલી થાય છે. જેથી આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. જો કે ચૂંટણી કમિશનની આજની હિમાચલ પ્રદેશની તારીખોની જાહેરાતના પગલે ગુજરાતની મતગણતરીની તારીખનો અંદાજ આવી શકે છે. અત્યાર સુધીમાં બે વાર ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનની ટીમ ગુજરાત પ્રવાસે આવી ચુકી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ ચૂંટણી કમિશનર ચૂંટણી પહેલા રાજ્યની મુલાકાત લે છે. ત્યારે રાજ્યનો ચૂંટણીને લઇને તૈયારીઓનો ચાર્ટ, લો એન્ડ ઓર્ડર સહિતના પાસાની ચકાસણી થઇ જતી હોય છે. જે પછી તેમના દિલ્હી પરત ફર્યાના 10-15 દિવસમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતી હોય છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ રાજ્યની મૂલાકાતે આવ્યું હતું ગુજરાતની ચૂંટણીની જાહેરાત 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યું હતું તે દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં તેમણે બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક યોજી હતી અને મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ કર્યું હતુ. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી.
ગુજરાતમાં 4.90 કરોડ મતદાતા - ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.
2017માં બે તબક્કામાં મતાદાન થયું હતું મહત્વનું છે કે 2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.