દિલ્હી: મોરબી બ્રિજ દુર્ઘટનામાં કેસમાં ગુજરાત હાઇકોર્ટે વધુ બે આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. બંને આરોપીઓ પર લાગેલ સદોષ માનવ વધની કલમ પ્રાથમિક રીતે ખોટી હોવાનું કોર્ટનું મૌખિક અવલોકન હતું. ગુજરાત સરકારના બદલે પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં આ આદેશને પડકાર્યો છે. પીડિત પરિવારોની અરજી પર સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.
આરોપીઓના એડવોકેટની રજૂઆત: આ બંને આરોપીઓની જામીન અરજી પરની સુનાવણી દરમિયાન કોર્ટે મૌખિક રીતે નોંધ્યું હતું કે, આરોપી ઉપર જે આ કલમ લગાવવામાં આવી છે તે ખોટી છે. આ સાથે જ આરોપીઓના એડવોકેટ રાહુલ શર્મા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારે ઓથોરિટીના કહ્યા પ્રમાણે જ ટિકિટ આપી હતી. તેમની સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તે અયોગ્ય છે. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટની સમીર દવેની ખંડપીઠે બંને આરોપીઓના જામીન મંજૂર કર્યા છે અને પોલીસની તપાસમાં સહકાર આપવાની શરતે આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરવાનો આરોપ: મહત્વનું છે કે આ બંને ક્લાર્ક પર આક્ષેપ હતો કે મોરબી ઝૂલતા બ્રિજ પર એક સમયે માત્ર 100 લોકોને જવાની પરવાનગી હતી. પરંતુ આ બંને લોકોએ ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરીને વધારે પૈસા કમાવવાની લાલચ છે 300 જેટલી ટિકિટો વેચી દીધી હતી. બ્લેક માર્કેટિંગના પૈસા તેમને સેલેરી ઉપરાંત જે પૈસા મળવાના હતા તેના કારણે વધારે ટિકિટો વહેંચી હતી. અત્રે એ નોંધનીય છે કે જ્યારે મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટના બની હતી એમાં 400 લોકો જેટલા બ્રિજ પર હાજર હતા અને આખા દિવસમાં 3165 જેટલી ટિકિટો વેચવાની વિગતો સામે આવી હતી.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના: અત્રે ઉલ્લેખનીય છે કે 30 ઓક્ટોબર 2022 ના રોજ જ્યારે મોરબી જિલ્લા બ્રિજની તૂટવાની દુર્ઘટના બની હતી ત્યારે સમગ્ર દેશમાં આ ઘટનાના લીધે શોક ફરી વળ્યો હતો. આ જ દુર્ઘટનામાં અગાઉ પણ હાઇકોર્ટ બ્રીજના ત્રણ સિક્યોરિટી ગાર્ડને જામીન આપી ચૂકી છે. જોકે આ ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલ હાલ પણ મોરબીમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે. જયસુખ પટેલ દ્વારા અનેકવાર જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેની એક પણ વાર જામીન અરજી મંજૂર થઈ નથી.