હૈદરાબાદઃ તેલંગાણામાં કુલ 119 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું. કુલ મતદાન 70.66 ટકા થયું. કેટલીક નાની મોટી તણાવપૂર્ણ ઘટનાઓને બાદ કરતા આખો દિવસ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું.
કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 7 કલાકે મતદાન શરુ થયું હતું. વામપંથી ઉગ્રવાદી અસરગ્રસ્ત 13 બેઠકો પર મતદાન સાંજે 4 કલાક સુધી મતદાન ચાલ્યું હતું. જ્યારે બાકીની 106 બેઠકો પર સાંજે 5 કલાક સુધી મતદાન ચાલ્યું હતું. જે મતદાતાઓ સાંજે 5 કલાક પહેલા લાઈનમાં ઊભા હતા તેમણે 5 કલાક પછી પણ મતદાન કરવા દેવામાં આવ્યું હતું. આ મતદાનની જાહેરાત 3 ડિસેમ્બરે કરવામાં આવશે.
બીઆરએસ પાર્ટી રાજ્યમાં સતત ત્રીજીવાર સત્તા મેળવવાના પ્રય્તનો કરી રહી છે જ્યારે વિપક્ષ કૉંગ્રેસ સત્તાપક્ષ બનવા માટે મથી રહ્યી છે. ભાજપે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક દિગ્ગજ નેતાઓએ રેલીઓનું મહાઅભિયાન શરુ કર્યુ હતું.
જનગામામાં મતદાન કેન્દ્ર નંબર 245 પર ભાજપ, કૉંગ્રેસ અને સીપીઆઈના કાર્યકર્તાઓ બાખડ્યા હતા. બખેડો કરતા કાર્યકરોને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પાર્ટીના નેતાઓએ એકાબીજી પાર્ટી પર આક્ષેપબાજી કરી હતી. રંગારેડ્ડી જિલ્લામાં ઈબ્રાહિમપટનમ ખાનાપુરમાં કૉંગ્રેસ અને બીઆરએસ કેડરમાં લડાઈ છેડાઈ હતી. અહીં પણ પોલીસે સક્રીય ભૂમિકા ભજવીને સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. નગર કુરનૂલ જિલ્લાના અમરાબાદ મંડળના મન્નાનૂર મતદાન કેન્દ્ર પર પણ લડાઈ થઈ હતી. અહીં બીઆરએસ અને કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો હતો. અહીં પણ પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
ગુરુવારે આવેલા એક્ઝિટ પોલમાં તેલંગાણામાં કૉંગ્રેસને ફાયદો થઈ રહ્યો હોવાનું જણાવાયું છે.