નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાતમાં એક વેપારીને આગોતરા જામીન મળ્યા હોવા છતાં પોલીસ રીમાન્ડમાં લેવાતા કડક નિંદા કરી છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને 'સત્તાનો દુરઉપયોગ' અને 'ભયંકર અપમાન' સમાન ગણાવી છે.
ન્યાયાધીશ બી. આર. ગવઈ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની સંયુક્ત બેન્ચે પોલીસ અધિકારીઓ અને સુરતના એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આ મામલે નોટિસ ફટકારીને 29 જાન્યુઆરીએ હાજર રહેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે દગાખોરીના મામલામાં સુરત નિવાસી તુષાર શાહને આગોતરા જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જણાવાયું હતું કે વેપારીને પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયો અને ફરિયાદની હાજરીમાં કથિત રીતે 1.65 કરોડ રુપિયા વસૂલવા માટે ધમકી આપવામાં આવી હતી.
સુપ્રીમની સંયુક્ત બેન્ચ પોતાના આદેશનું ઉલ્લંઘન થતાં નારાજ થઈ હતી. બેન્ચે ગુજરાત રાજ્ય માટે વેધક સવાલ કર્યો કે, શું ગુજરાતમાં જુદા કાયદા પાળવામાં આવે છે? આ મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને તેનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. તુષાર શાહના વકીલ ઈકબાલ એચ સૈયદ અને વકીલ મોહમ્મદ અસલમે કહ્યું કે, 13થી 16 ડિસેમ્બર 2023 સુધી સુરતના વેસુ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેડને સુરક્ષિત કરવા માટે પોલીસ આયુક્તમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તેમના અસીલ પોલીસની કસ્ટડીમાં હતા.
મેજિસ્ટ્રેટ અને તપાસ અધિકારીઓ હાજર થાય અને રીમાન્ડના ઓર્ડર કેવી રીતે આપ્યા તે જણાવે. સુપ્રીમ કોર્ટનું અપમાન કરનારાઓને સાબરમતિ જેલ અથવા બીજે ક્યાંક મોકલવાનો આદેશ ડીજીપીને કોર્ટ કરશે.
સુપ્રીમ કોર્ટની સંયુક્ત બેન્ચે સવાલ કર્યો કે,"જ્યારે 8 ડિસેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે અરજદારને આગોતરા જામીન આપી દીધા હતા તો પછી કઈ રીતે રીમાન્ડના ઓર્ડર આપી દેવાયા, તેમજ તુષાર શાહને પોલીસ કસ્ટડીમાં કઈ રીતે રખાયા ?"
સુપ્રીમ કોર્ટે સીસીટીવી ફૂટેજ મામલે ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુની પણ પુછપરછ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટને જણાવાયું કે સીસીટીવી કાર્યરત નહતા.
ન્યાયાધીશ સંદીપ મહેતાએ કહ્યું કે, આ જાણી જોઈને કરવામાં આવેલ કૃત્ય છે. કેમેરા તે 4 દિવસ માટે કાર્યરત નહતા. પોલીસે પોલીસ સ્ટેશન ડાયરીમાં તુષાર શાહની હાજરી પણ નોંધી નહીં કરી હોય. આ સત્તાનો ખરેખર દુરઉપયોગ છે.
સંયુક્ત બેન્ચે મેજિસ્ટ્રેટને અપમાન કરવા બદલ નોટિસ જાહેર કરવા કહ્યું. તેમણે એસ વી રાજુને કહ્યું કે, દરેકને પોતાના સામાન સાથે 29મી જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા કહો. સુપ્રીમ કોર્ટ 29મી જાન્યુઆરીએ ચુકાદો આપશે. એસ.વી. રાજુએ સુપ્રીમની સંયુક્ત બેન્ચની માફી માંગી અને કહ્યું કે અધિકારીએ ભૂલ કરી છે.
તુષાર શાહને ગેરકાયદેસર રીતે 4 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડ્યું તેના પર સુપ્રીમે કહ્યું કે મેજિસ્ટ્રેટ અને તપાસ અધિકારીઓને 4 દિવસ કસ્ટડીમાં રાખો. સંયુક્ત બેન્ચે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, સુરત પોલીસ કમિશ્નર, ડેપ્યૂટી કમિશ્નર ઓફ પોલીસ, વેસુ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને નોટિસ ફટકારી છે.
તુષાર શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ડિસેમ્બરમાં હુકમ કર્યો હતો કે 21 જુલાઈ 2023ના રોજ એફઆરઆઈ અંતર્ગત 25,000 રુપિયાના જામીન પર તેમને મુકત કરવામાં આવે. જો કે 11 ડિસેમ્બરે તેઓ પોલીસ તપાસમાં હાજર થવા પોલીસ સ્ટેશન ગયા તો તેમની ધરપકડ કરી દેવાઈ. સુપ્રીમના આદેશ પર બોન્ડની રકમ જમા કર્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા.