લખનૌ: સુબ્રત રોય સહારાના પાર્થિવ દેહ બુધવારે સાંજે સહારા સિટી પહોંચ્યા બાદ, તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે. અનેક રાજનેતાઓ સાથે અનેક વીઆઈપી પણ અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. તેમના પાર્થિવ દેહને ગુરુવારે ભેંસાકુંડ ખાતે કડક સુરક્ષા હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા સવારે દસ વાગ્યે સહારા સિટીથી તેમની અંતિમ યાત્રા નીકળશે. પરિવારના સભ્યો ઉપરાંત અનેક વીઆઈપી અને સહારા ગ્રુપના મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમાં ભાગ લેશે.
સુબ્રત રોયના અંતિમ સંસ્કાર: બુધવારે સાંજે સુબ્રત રોય સહારાના પાર્થિવ દેહને સહારા સિટીમાં લાવવામાં આવતા જ કર્મચારીઓની આંખો ભીની થઈ ગઈ હતી. તેમના અંતિમ દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અનેક રાજનેતાઓ અને વીઆઈપીઓ પણ અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સાથે જ અંતિમ દર્શન માટે આવતા લોકોની સુવિધા માટે સહારા પરિવાર દ્વારા વાહનો અને ચા પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લખનૌમાં અંતિમ યાત્રા: આજે ગુરુવારે સવારે 10 વાગ્યે તેમના પાર્થિવ દેહને સહારા સિટીથી ભેંસાકુંડ લઈ જવામાં આવશે. તેમની અંતિમ યાત્રા સવારે દસ વાગ્યે નીકળશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ઘણા VIP આવવાની પણ શક્યતા છે.
75 વર્ષની વયે નિધન: 75 વર્ષીય સુબ્રત રોયનું ગઈકાલે બુધવારે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું હતું, મુંબઈની એક ખાનગી હોસ્પીટલમાં સુબ્રત રોયને રાતે 10.30 કલાકે હાર્ટ એટેક આવ્યો અને ત્યાર બાદ તેઓએ અંતિમ શ્વાસ લીઘા, તેઓ હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી પીડિત હતાં, તેમને 12 નવેમ્બર મુંબઈના ઘીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં,
કોણ હતા સુબ્રત રોય? સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયામાં થયો હતો. તેમણે હોલી ચાઈલ્ડ સ્કૂલ કોલકાતાથી પ્રાથમિક શિક્ષણ લીધું હતું, ત્યારબાદ તેણે યુપીના ગોરખપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. સહારા ગ્રુપના પ્રમુખ બન્યા તે પહેલા તેમણે લાંબો સમય રિયલ એસ્ટેટમાં વિતાવ્યો હતો. તેમની પાસે રિયલ એસ્ટેટનો 18 વર્ષનો અનુભવ તેમજ 32 વર્ષનો વ્યાપક બિઝનેસ અનુભવ સાથે એક સમયના ભારતના 10 સૌથી શક્તિશાળી લોકોમાં રોયનું નામ સામેલ થતું હતું. મહત્વપૂર્ણ છે કે, રોકાણકારોના પૈસા પરત ન આપવાના મામલામાં તેમને ગત વર્ષે સુપ્રીમકોર્ટે માંથી જામીન મળ્યા હતાં અને ત્યારથી જામીન ઉપર બહાર હતાં.