અમરોહાઃ મોહમ્મદ શમી આજે કોઈ ઓળખાણના મોહતાજ નથી. બાળકોથી લઈ મોટેરાઓની જીભે તેમનું નામ છે. જો કે તેમની સફળતા પાછળની કહાની બહુ ઓછા લોકો જાણે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે શમીના પિતા તૌફિક અહમદ અલી પણ ક્રિકેટ રસિયા હતા અને ફાસ્ટ બોલર હતા. અનેક સંઘર્ષોને લીધે શમીના પિતા ક્રિકેટ વિશ્વમાં પ્રવેશી ન શક્યા અને ખેતી કરીને પરિવારનું પાલન પોષણ કરતા રહ્યા.
શમીની ધારદાર બોલિંગઃ વર્લ્ડ કપ 2023માં શમીએ 3 મેચીસ રમી છે જેમાં તેણે તહેલકો મચાવી દીધો છે. એક દુર્ઘટનાને લીધે શમી વર્લ્ડ કપમાં રમી શક્યો, પરંતુ તેણે એવી બોલિંગ કરી કે હરિફ ટીમના બેટ્સમેનને લોઢાના ચણા ચાવવા પડ્યા. બેટ્સમેન તેમની બોલિંગ સામે ટકી જ શકતા નથી. આ રેકોર્ડ બ્રેક સફળતા મેળવનારા શમીના ગામ સહસપુર અલીનગરે ઈટીવી ભારતની ટીમ પહોંચી છે. અહીં શમીના જીવનના કેટલાક અપરિચિત આયામો સામે આવ્યા છે.
પિતાએ શીખવી બોલિંગઃ ગામવાસીઓએ જણાવ્યું કે મોહમ્મદ શમીના પિતા તૌફિક અહમદ અલી પણ ક્રિકેટના સારા જાણકાર અને શોખીન હતા. જો કે જવાબદારીઓ અને બીજા અન્ય કારણોસર તે ક્રિકેટ વિશ્વમાં જઈ ન શક્યા. જ્યારે શમીનો જન્મ થયો ત્યારે તેમના પિતાએ શમીને ક્રિકેટના સ્ટાર ખેલાડી બનાવવાનું નક્કી કરી લીધું. શમી જ્યારે 15 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમણે ક્રિકેટ બોલ પકડાવ્યો હતો. શમીને પણ બોલિંગ કરવામાં બહુ રસ હતો.
વતનથી કરી શરુઆતઃ શમીએ વર્લ્ડ કપ 2023માં જે પ્રકારની બોલિંગ કરી તેનાથી સમગ્ર ગામમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હોય તેવું ગામના લોકો જણાવે છે. શમીએ પોતાના વતનથી જ ક્રિકેટની શરુઆત કરી હતી. શમીને નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. ગામના લોકોને ગૌરવ છે કે તેમના ગામનો દીકરો બોલિંગ ક્ષેત્રે ગામનું નામ રોશન કરી રહ્યો છે.
જિંદગીની પહેલી બોલિંગઃ સહસપુર અલીનગરમાં રહેતા શમીના મોટા કાકા જણાવે છે કે આ એ જ સ્ટેડિયમ(મેદાન) છે જેમાં મોહમ્મદ શમીએ ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. શમી આ જ મેદાનમાં રમ્યો છે, આ મેદાનમાં અત્યારે કોઈ રમતું નથી. જો કે આ મેદાનમાં રમીને મહારથ મેળવનાર શમી પોતાની બોલિંગથી વિદેશી ખેલાડીઓને હંફાવી રહ્યો છે. અમારો દીકરો અમારા દેશને ગૌરવ અપાવી રહ્યો છે.
શમીનો પરિવારઃ મોહમ્મદ શમીનું આખું નામ મોહમ્મદ શમી અહમદ છે. તેનું ઉપનામ લાલજી છે. તેનો જન્મ 3 સપ્ટેમ્બર 1990માં થયો હતો. મોહમ્મદ શમીના પિતાનું નામ તૌફિક અહમદ અલી છે, તેના માતા અંજુમ આરા, ભાઈ મોહમ્દ કૈફ, પત્ની હસીન જહાં(મોડલ), દીકરી આયરા શમી છે. તેની માતા અંજુમ આરા તેના વતનના ગામમાં રહે છે.
શમીના કોચઃ મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકી છે. જેમણે ક્રિકટની દુનિયામાં શમીનો પ્રવેશ કરાવ્યો અને શમીને આટલો મોટો ખેલાડી બનાવ્યો. મોહમ્મદ શમી જમણેરી બોલર અને બેટ્સમેન છે. જેમણે પોતાની બોલિંગથી દેશનું નામ રોશન કર્યુ છે. ઘણી વાર તેમણે શ્રેષ્ઠ બેટિંગ પણ કરી છે.
મોહમ્મદ શમીની ટીમમાં એન્ટ્રીઃ વર્લ્ડ કપ 2023ની શરુઆતની મેચીસમાં શમી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો નહતો. જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો ત્યારે ટીમમાં શમીની એન્ટ્રી થઈ. શમીએ વર્લ્ડ કપ 2023માં પહેલો બોલ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ નાખ્યો, પહેલા બોલે જ વિકેટ ઝડપીને શમીએ પોતાના ઈરાદા જાહેર કરી દીધા હતા.
ત્રણ મેચ 14 વિકેટઃ શમી પોતાના બોલિંગ પ્રદર્શનથી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે. શમીએ અત્યાર સુધી 3 મેચ રમી છે જેમાં તેમાં તેણે 14 વિકેટ ઝડપી છે. જેમાં તે બે વાર પાંચ વિકેટ હોલમાં પણ સામેલ થયા છે. શમીના પ્રદર્શનથી તેના ગામના લોકો બહુ ખુશ છે. ગામના લોકો કહે છે કે શ્રીલંકા વિરુદ્ધની મેચમાં પાંચ ઓવરમાં પાંચ વિકેટ લઈ શમીએ ગામ અને દેશનું નામ રોશ કર્યુ છે.
પાંચ ઓવરમાં પાંચ વિકેટઃ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ભારતે શ્રીલંકાને 358 રનનો ટારગેટ આપ્યો હતો. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 19.5 ઓવરમાં માત્ર 55 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. 302 રનથી જીતનાર ભારત સેમિફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની ગઈ. જ્યારે શ્રીલંકા વર્લ્ડકપની બહાર ફેંકાઈ ગઈ. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પાંચ ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપમાં શમી સારુ પ્રદર્શન કરી રહ્યો છે. આ પ્રદર્શનને લઈને ગામમાં ખુશીની લહર છવાઈ ગઈ છે.