મુંબઈ : બે દિવસના નબળા પ્રદર્શન બાદ આજે પણ શેરમાર્કેટની સપાટ શરુઆત થઈ હતી. પરંતુ દિવસ દરમિયાનના સપાટ પ્રદર્શન બાદ ટ્રેડિંગ સેશનના અંતે અચાનક લેવાલી નીકળી હતી. 9 જુલાઈ બુધવારના રોજ BSE Sensex 150 પોઈન્ટની રિકવરી સાથે 65,995 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 62 પોઈન્ટ વધીને 19,632 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આજે સવારથી શેરબજારમાં સપાટ પ્રદર્શન રહ્યું હતું. BSE Sensex શરૂઆતના કારોબારમાં 36 પોઈન્ટના ઊંધા મથાળે 65,810 પોઈન્ટ પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ પણ 8 પોઈન્ટ વધીને શરુઆત કરી હતી.
BSE Sensex : આજે 9 જુલાઈ બુધવારના રોજ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex માં 150 પોઈન્ટનો (0.23 %) ઉછાળ સાથે 65,995 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શરુઆતી કારોબારમાં 36 પોઈન્ટના ઘટાડા સાથે 65,810 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન નબળા પ્રદર્શનને જાળવી રાખી 65,444 પોઈન્ટ ડાઉન ગયો હતો. જોકે, બપોરે 2 વાગ્યા બાદ અચાનક લેવાલી નીકળતા 66,066 પોઈન્ટની હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે આખરે ડૂબતી નૈયા લીલા રંગ પર બંધ થયો હતો. ગતરોજ BSE Sensex 65,846 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 62 પોઈન્ટ (0.32 %) વધીને 19,632.55 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 8 પોઈન્ટ વધીને 19,578 ના મથાળે ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના સપાટ પ્રદર્શનમાં ડાઉન 19,467 સુધી જ ગયો હતો. ટ્રેંડિંગ સેશનના અંતમાં લેવાલી નીકળતા 19,645 ની ડે હાઈ બનાવી હતી. ગતરોજ Nifty ઈનડેક્સ 19,570 પોઈન્ટ પર બંધ થયો હતો.
ટોપ ગેઈનર શેર : સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં JSW સ્ટીલ (2.68 %), ટાટા મોટર્સ (2.57 %), એમ એન્ડ એમ (2.35 %), ટેક મહિન્દ્રા (1.88 %) અને ટાટા સ્ટીલ (1.74 %)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરમાં બજાજ ફાયનાન્સ (-0.87 %), મારુતિ સુઝુકી (-0.87 %), ICICI બેંક (-0.81 %), અલ્ટ્રા ટેક સિમેન્ટ (-0.64 %) અને પાવર ગ્રીડ કોર્પો (-0.52 %)નો સમાવેશ થાય છે.
એડવાન્સ ડેકલાઈન રેશિયો : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો ફરી પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1146 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 908 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, સૌથી વધુ એક્ટિવ રહેલા શેરમાં ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, રિલાયન્સ અને મારુતિ સુઝુકીના સ્ટોક રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, આજે અમેરિકી ડોલર સામે ભારતીય રુપીયામાં 0.02 ટકા ઘટ્યો છે.
વૈશ્વિક બજારની અસર : ઉલ્લેખનિય છે કે, બપોર સુધી ભારતીય બજાર સતત ગગડી રહ્યું હતું. પરંતુ યુરોપીય માર્કેટની શરુઆતની સીધી અસર ભારતીય બજાર પર થઈ હોય તેમ જોવા મળ્યું હતું. કારણ કે, ત્યારબાદ ભારતીય શેરમાર્કેટમાં ભારે રિકવરી આવી હતી. આ ઉપરાંત ભારતીય બજારને લોકલ માર્કેટનો ટેકો પણ મળ્યો હતો. બ્લૂચીપ શેરોમાં તેજીવાળા ઓપરેટરોએ નવી ખરીદી કર્યાની પણ સીધી અસર જોવા મળી હતી.