- શ્રીલંકાના આર્થિક સંકટથી ભારતને શું થઈ શકે છે નુક્સાન
- શ્રીલંકામાં 30 ઓગસ્ટના રોજ લાગુ કરવામાં આવી કટોકટી
- હાલમાં દેવું કે તેનું વ્યાજ ચૂકવી શકે તેવી કોઈ પરિસ્થિતિમાં નથી
હૈદરાબાદ: શ્રીલંકા હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જુલાઈના અંતમાં શ્રીલંકામાં વિદેશી ભંડાર ઘટીને 2.8 અરબ ડોલર્સ પર પહોંચી ગયો છે. આ વર્ષના અંત સુધીમાં શ્રીલંકાએ વિદેશી ઋણ તરીકે લગભગ 2 બિલિયન ડોલર્સ ચૂકવવા પડશે.
શું છે આર્થિક સંકટનું કારણ
માનવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારીને કારણે આ સંકટ આવ્યું છે. ખરેખર, શ્રીલંકા માટે પ્રવાસન એક મુખ્ય ઉદ્યોગ છે. વિશ્વ યાત્રા અને પર્યટન પરિષદ અનુસાર, દેશની GDPનો 10 ટકા હિસ્સો પર્યટન ઉદ્યોગમાંથી આવે છે. ચા અને કાપડ ઉદ્યોગ પણ કોરોના મહામારીની ચપેટમાં આવી ગયા હતા. જેના કારણે અર્થવ્યવસ્થા પર વિપરિત અસર પડી છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા 2020માં રેકોર્ડબ્રેક 3.6 ટકા સુધી ઘટી ગઈ હતી. જ્યારે, વિદેશી વિનિમય દરોમાં વૃદ્ધિનો અર્થ હતો કે, તેમણે વિદેશી ઋણ તેમજ આયાત પર ચૂકવણી માટે ડોલર્સ ઓછા હતા. શ્રીલંકા ખાદ્ય સહિતની ઘણીબધી વસ્તુઓની આયાત કરે છે. જેના કારણે તેમને વિદેશી મુદ્રા ભંડારની આવશ્યક્તા છે.
આર્થિક સંકટનો શું છે પ્રભાવ
આર્થિક સંકટે દેશમાં ભોજન અને દવાની અછતને જન્મ આપ્યો છે. કેટલાક ખાદ્ય પદાર્થો જેમ કે, ખાંડ, દૂધ પાવડર તેમજ રાંધણ ગેસની અછત સર્જાઈ છે. આ અગાઉ શ્રીલંકામાં વર્ષ 1970ના દશકમાં સિરિમાવો ભંડારનાયકે સરકાર દરમિયાન ખાદ્ય સંકટનો અનુભવ થયો હતો.
શ્રીલંકન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા
રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ ખાદ્ય કિંમતોને નિયંત્રિત કરવા અને કેટલાક ખાદ્ય પદાર્થોની અછતને રોકવા માટે 30 ઓગસ્ટના રોજ કટોકટીની જાહેરાત કરી હતી. એપ્રિલ 2021માં શ્રીલંકન સરકારે કેટલીક આયાતો પર પ્રતિબંધ લાદ્યા હતા. સરકારે વાહનો, એર કંડિશનર્સ, કપડા, સૌંદર્ય પ્રસાધનો, દારૂથી લઈને ઘણાબધા મસાલાઓની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ચીન અને ભારત પર પ્રભાવ
- ચીન હંમેશા ભારતના દક્ષિણી પાડોશી શ્રીલંકામાં મજબૂત આધાર સ્થાપિત કરવા માગે છે. એમ કરવાથી તેને 2 ફાયદા થઈ શકે છે. સૌથી પહેલા તે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની નૌસૈનિક શ્રેષ્ઠતાને માટે એક સીધો મુકાબલો બનીને રહેશે.
- શ્રીલંકાની મદદ કરીને ચીન એક મહત્વપૂર્ણ વાણિજ્યિક સમુદ્રી માર્ગ પર કબજો જમાવી લેશે અને ક્રૂડ ઓઈલના પોતાના સમુદ્રી વ્યાપારને સુરક્ષિત કરવા માટે સારી સ્થિતિમાં પહોંચી જશે. શ્રીલંકા પ્રમુખ શિપિંગ માર્ગો પર રણનૈતિક સ્થાન ધરાવતું હોવાથી ચીન દ્વારા શ્રીલંકન પોર્ટના વિકાસ માટે પણ મોટું રોકાણ કરવામાં આવ્યું છે. વર્ષ 2006થી 2019 વચ્ચે કુલ 12 બિલિયન ડોલર્સનું રોકાણ ચીન દ્વારા કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
- જૂન 2019 સુધી શ્રીલંકાના સાર્વજનિક ક્ષેત્રના દેવામાં ચીનનો હિસ્સો 15 ટકા હતો. જ્યારબાદ ચીન શ્રીલંકાનું સૌથી મોટું લેણદાર બની ગયું હતું. દેવું ચૂકવવામાં અસમર્થ શ્રીલંકાએ પોતાનું હંબનટોટા પોર્ટ ચીનને 99 વર્ષ માટે લીઝ પર આપી દીધું હતું.
- શ્રીલંકાનું આર્થિક સંકટ તેને પોતાના નિતી-નિયમો ચીનના હિતો સાથે સંરેખિત કરવા માટે આગળ વધારી શકે છે. જે ભારતના હિતો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભઆરત પહેલેથી જ અફઘાનિસ્તાન અને મ્યાનમાર સાથે કૂટનૈતિક તંગી પર છે. બાંગ્લાદેશ, નેપાળ અને માલદિવ્સ જેવા દક્ષિણ એશિયાઈ દેશો મોટાપાયે માળખાગત સુવિધાઓને લગતી યોજનાઓ માટે ચીન તરફ મીટ માંડીને બેઠા છે.