- યાસ વાવાઝોડાને લઇને રેલવે વિભાગ સતર્ક
- ટ્રેનોને નુકસાન ન પહોંચે તે માટે કરી આગોતરી તૈયારી
- કોડરમા રેલવે સ્ટેશને માલગાડીઓને સાંકળો સાથે બાંધી દેવાઈ
ઓડિશાઃ રાજ્યના કોડરમામાં યાસ વાવાઝોડાને લઇને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. ત્યારે કોડરમા રેલવે સ્ટેશન પર વાવાઝોડા યાસ જે ઓડિશાના કાંઠે ઝળૂંબી રહ્યું છે તેનાથી બચાવ માટે વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. કોડરમા રેલવે સ્ટેશન પર પાર્ક કરેલી માલગાડીઓના પૈડાં સાંકળોથી બાંધી દેવામાં આવ્યાં છે. આ સાથે માલગાડીઓના પૈડાં નીચે ઓટ પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે જેથી ભારે પવનમાં માલગાડીઓનાં પૈડાં પાટા પરથી ઉતરી ન જાય અથવા ટ્રેનો આગળ-પાછળ ન ખસી શકે.
આ પણ વાંચોઃ કોઇ મારી ધરપકડ કરી શકે તેમ નથીઃ બાબા રામદેવ
27 મે સુધી ઘણી ટ્રેન રદ થઈ
યાસ વાવાઝોડાને કારણે કોડરમા સ્ટેશન પર સન્નાટો ફેલાઈ ગયો છે.આ સ્ટેશન પરથી બંગાળ અને ઓડિશા આવતીજતી ટ્રેનોમાં ભુવનેશ્વર રાજધાની, પુરુષોત્તમ એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, અજમેર સિયાલદાહ, શિપ્રા એક્સપ્રેસ, નીનાંચલ એક્સપ્રેસ સહિત ડઝનેક ગાડીઓ 27 મે સુધી રદ કરવામાં આવી છે. આ સાથે સ્ટેશન પર એક ખાસ ઓવર હેડ વાયર રિપેર વેહિકલ પણ તૈયાર રાખવામાં આવ્યું છે. જેથી જો વાવાઝોડાને કારણે કોઈ નુકસાન થાય તો ઓવર હેડ વાયરને તાત્કાલિક રીપેર કરાવી શકાય અને હાવડા-નવી દિલ્હી રેલવેે લાઈન પરના પરિવહનમાં કોઇ અવરોધ ન આવે.
લોકોને ઘરમાં જ રહેવા અપીલ
યાસ વાવાઝોડાની અસર કોડરમામાં પણ દેખાય છે. આજે સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયેલાં છે અને સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને તેમના ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. આ સાથે જિલ્લા વહીવટીતંત્રે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વીજળી વિભાગને પણ એલર્ટ મોડમાં રાખ્યાં છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને પણ 24 કલાક વીજ પુરવઠો જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે જેથી વાવાઝોડાંથી સર્જાતી સમસ્યાઓનો સામનો કરી શકાય.
આ પણ વાંચોઃ ફૂલોના વેચાણમાં કોરોના અને વાવાઝોડાનું ગ્રહણ, સિઝનમાં પણ ભાવમાં 50ટકાનો ઘટાડો