- શિવસેનાએ 'સામના'માં ભાજપ પર લગાવ્યા આરોપ
- પોતાના એજન્ડા માટે ભાજપ કરે છે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ
- હતાશા દૂર કરવા ભાજપ ઉદ્ધવ ઠાકરે પર કરે છે પ્રહાર
મુંબઈ: શિવસેનાએ કહ્યું છે કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને MVA સરકારના નેતાઓને નિશાન બનાવી રહી છે. MVA સરકારમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા) અને કોંગ્રેસ સામેલ છે.
ભાજપ પોતાના એજન્ડા માટે કેન્દ્રીય એજન્સીઓનો કરી રહ્યું છે ઉપયોગ
શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે લોકો કહે છે કે તેમને સરકાર પર હવે ભરોસો નથી રહ્યો, પરંતુ મહારાષ્ટ્રમાં આનાથી ઊંધું છે. રાજ્યમાં ભાજપ હસવાપાત્ર બની ગયું છે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), આવકવેરા વિભાગ (IT) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)નો ઉપયોગ ભાજપ પોતાના એજન્ડા માટે કરી રહ્યું છે.
જે પ્રશ્ન કરે છે તેને રસ્તેથી હટાવી દેવામાં આવે છે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ED અને CBI દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓ ખુલ્લા પાડ્યા છે. આ હુમલા, શિખંડીનો ઢાલની માફક ઉપયોગ કરવા જેવું છે. મહાભારતમાં કૌરવો અને પાંડવોના પિતામહ ભીષ્મને મારવામાં શિખંડીની મદદ લેવામાં આવી હતી. શિવસેનાએ ભાજપ અને કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ પ્રશ્નોનો સામનો નથી કરતા અને જે પ્રશ્ન કરે છે તેને રસ્તાથી હટાવી દે છે.
સસ્તી ચરસ પીવાના કારણે મગજમાં આવી વાતો આવે છે!
સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ અને કેન્દ્રમાં તેમની સરકાર લોકશાહી, સંવિધાન, કાયદા વ્યવસ્થામાં વિશ્વાસ નથી રાખતી. તે વિપક્ષી દળોના મુખ્યપ્રધાનોને સ્વીકારતી નથી. રાજનીતિમાં આ નવી ઘટના તેમની માનસિકતા દર્શાવે છે. સસ્તી ચરસ પીવાના કારણે તેમના મગજમાં આવી વાતો આવી રહી છે. શિવસેનાએ 2019 વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યપ્રધાન પદ વહેંચવાના મુદ્દા પર સમજૂતી ન થવાના મુદ્દા પર લાંબા સમયના સાથી રહેલા ભાજપ સાથે સંબંધ તોડી દીધો હતો. ત્યારબાદ શિવસેનાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) અને કૉંગ્રેસનો સાથ મેળવીને રાજ્યમાં MVA સરકાર બનાવી હતી.
ઠાકરે પર પ્રહાર કરીને ફક્ત પોતાની હતાશા દૂર કરે છે BJP
મરાઠી દૈનિક સમાચારપત્રમાં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રિય કૉંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવારે એ પરિસ્થિતિઓને સ્પષ્ટ કરી છે, જેના હેઠળ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન બન્યા. પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ પર નિશાન સાધતા શિવસેનાએ કહ્યું કે, ઠાકરેના રાજ્યના મુખ્યપ્રધાન બન્યા બાદ તેમના પર પ્રહાર કરીને તેઓ ફક્ત પોતાની હતાશા દૂર કરવા ઇચ્છી રહ્યા છે.
આ પણ વાંચો: "CWC બેઠકમાં કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું", પાત્રાએ લગાવ્યો આરોપ
આ પણ વાંચો: ગલવાન જેવી હરકત કરતા પહેલા ફફડશે ચીનના સૈનિકો, ભારતે વિકસાવ્યા વજ્ર, ત્રિશૂળ જેવા હથિયાર