મુંબઈ : છેલ્લા આઠ દિવસથી ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ છે. બજારમાં આજે પણ આ પ્રકારનું મજબૂત વલણ જોવા મળ્યું હતું. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 379 અને 114 પોઈન્ટ વધારા સાથે ખુલ્યા હતા. જેમાં NSE Nifty પ્રથમ વખત 20,110ની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યો હતો. જોકે ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty સપાટ બંધ રહ્યો હતો. જ્યારે BSE Sensex નજીવો વધીને 67,221 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી શેરમાર્કેટમાં સતત રિકવરી નોંધાઈ રહી છે. ઉપરાંત ભારે એક્શન પણ જોવા મળી રહ્યું છે.
BSE Sensex : આજે 12 સપ્ટેમ્બર મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 67,127 બંધની સામે 379 પોઈન્ટ ઉછળીને 67,506 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન ઉતાર ચઢાવ વચ્ચે 66,948 પોઈન્ટ ડાઉન ગયો હતો. જોકે 591 પોઈન્ટની રિકવરી બાદ 67,539 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex ઈન્ડેક્સ ટ્રેડિંગ સેશનના અંતે 94 પોઈન્ટ વધીને 67,221.13 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.14 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજે NSE Nifty ઈનડેક્સ ગતરોજના 19,996 પોઈન્ટના બંધ સામે 114 પોઈન્ટના વધારા સાથે 20,110 પોઈન્ટની નવી સપાટીએ ખુલ્યો હતો. આજે જોકે 20,110 ની મહત્તમ ઊંચાઈ બનાવી ત્યારબાદ ઉપર નીચે થતો રહ્યો હતો. વચ્ચે FII ની વેચવાલી નીકળતા 19,914 પોઈન્ટ ડાઉન ગયો હતો. ત્યારબાદ NSE Nifty ઈનડેક્સ 79 પોઈન્ટની રિકવરી નોંધાવી ટ્રેડિંગ સેશનના અંતે 19,993 પર સપાટ બંધ રહ્યો હતો. જે 3 પોઈન્ટનો એટલે કે 0.02 ટકા જેટલો ઘટાડો હતો.
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટીસીએસ (2.91 %), લાર્સન (1.68 %), ઇન્ફોસીસ (1.66 %), અલ્ટ્રાટેક સિમેન્ટ (1.49 %) અને ICICI બેંકનો (1.28 %) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં એનટીપીસી (-3.40 %), પાવર ગ્રીડ કોર્પો (-3.35 %), ટાટા મોટર્સ (-2.25 %), એમ એન્ડ એમ (-1.52 %) અને ઇન્ડસઇન્ડ બેંકનો (-1.50 %) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 217 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1860 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં લાર્સન, HDFC બેંક, ICICI બેંક, ઇન્ફોસિસ અને રિલાયન્સના સ્ટોક રહ્યા હતા.