નવી દિલ્હી: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતમાં દાખલ કરવામાં આવેલી ફોજદારી માનહાનિની ફરિયાદના સંબંધમાં સુપ્રીમ કોર્ટે સોમવારે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે તેવી કથિત ટિપ્પણી બદલ ગુજરાતમાં તેજસ્વીની સામે ગુનાહિત માનહાનિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ પંકજ મિથલની બેંચે અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ પેન્ડિંગ કેસને મુખ્યત્વે દિલ્હીમાં ટ્રાન્સફર કરવા માટે તેજસ્વીની અરજી સાંભળવા સંમતિ આપી હતી.
બેન્ચે નોટિસ જારી કરી અને RJD નેતાની અરજી પર તેજસ્વી સામે માનહાનિની ફરિયાદ દાખલ કરનાર ગુજરાતના વ્યક્તિ પાસેથી જવાબ માંગ્યો. તેજસ્વીએ પોતાના વકીલ અજય વિક્રમ સિંહ મારફત કેસ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરીમાં હાથ ધરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં ગુજરાત કોર્ટે આરજેડી નેતા સામે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 202 હેઠળ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક વેપારી અને કાર્યકર હરેશ મહેતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પર તેમને સમન્સ મોકલવા માટે પૂરતા કારણો મળ્યા હતા. ફરિયાદ અનુસાર, તેજસ્વીએ માર્ચ 2023માં પટનામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "હાલની સ્થિતિમાં માત્ર ગુજરાતીઓ જ છેતરપિંડી કરી શકે છે અને તેમની છેતરપિંડી માફ કરવામાં આવશે." બિહારના નાયબ મુખ્યમંત્રીએ કથિત રીતે કહ્યું હતું કે જો તેઓ એલઆઈસી અથવા બેંકોના પૈસા લઈને ભાગી જાય તો કોણ જવાબદાર હશે? મહેતાએ તેમની ફરિયાદમાં દાવો કર્યો હતો કે આ ટિપ્પણીથી તમામ ગુજરાતીઓની બદનક્ષી થઈ છે.