નવી દિલ્હી: 2000ની નોટ અંગેના નોટિફિકેશનને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000ની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ કોઈપણ દસ્તાવેજ વિના 2,000ની બેંક નોટ એક્સચેન્જ કરાવી શકાશે તેનું નોટિફિકેશન જાહેર કર્યું હતું.
તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર: સુપ્રીમ કોર્ટે 2000ની નોટ અંગેના નોટિફિકેશનને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. આ અરજીમાં સ્લિપ અને ઓળખ પત્ર ભર્યા વગર 2000ની નોટ બદલવાની સૂચનાને પડકારવામાં આવી છે. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની વેકેશન બેન્ચે તાત્કાલિક સુનાવણી માટે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અરજી પર વિચાર કર્યા પછી કહ્યું કે તે ઉનાળાની રજાઓમાં આવી અરજીઓ પર વિચાર કરશે નહીં.
શું થયું કોર્ટમાં: બેન્ચે કહ્યું હતું કે, અમે ઉનાળાની રજાઓમાં આવી બાબતોની સુનાવણી કરતા નથી. કોર્ટે કહ્યું કે આ અરજી ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ મૂકી શકાય છે. અરજીની તાકીદે સૂચિબદ્ધ કરવા માટે અપીલ કરતા વકીલે કહ્યું કે ગુનેગારો અને આતંકવાદીઓ દ્વારા પણ કોઈપણ કાપલી અને ઓળખ પત્ર વગર 2,000ની નોટો બદલાઈ રહી છે. તેમણે દાવો કર્યો હતો કે ટૂંકા ગાળામાં બેંકોએ 2,000 મૂલ્યની નોટોના બદલામાં ગ્રાહકોને અન્ય મૂલ્યોની 50,000 કરોડની કિંમતની નોટો પરત કરી છે.
શું છે સમગ્ર ઘટના: ઉપાધ્યાયે દિલ્હી હાઈકોર્ટના 29 મેના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. આ અરજીમાં તેણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના નોટિફિકેશનને કોઈપણ દસ્તાવેજ વિના 2,000ની બેંક નોટ એક્સચેન્જ કરવાને પડકાર્યો હતો. નોંધનીય છે કે 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000ની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંક ખાતામાં જમા કરાવી શકાય છે અથવા ઓછી કિંમતની નોટો બદલાવી શકાય છે. જો કે રૂપિયા 2,000ની નોટો લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહે છે.
(PTI-ભાષા)