નવી દિલ્હી : અફઝલ અંસારીને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર કેસમાં તેની સજા પર રોક લગાવી દીધી છે. જેના કારણે તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો માર્ગ સાફ થઈ ગયો. BSP નેતા અંસારીને 29 એપ્રિલના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા અને ચાર વર્ષની જેલની સજા થયા બાદ ગાઝીપુરના સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે મૂક્યા બાદ અંસારી સાંસદ ભંડોળનો ઉપયોગ કરી શકશે. જોકે, તેમને ગૃહમાં મતદાન કરવાનો અધિકાર રહેશે નહીં.
2007 ગેંગસ્ટર એક્ટ કેસ : જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેંચે અંસારીની અપીલને આંશિક રીતે સ્વીકારી હતી. જસ્ટિસ કાંત અને ભુઈયાએ અંસારીની અરજીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જોકે જસ્ટિસ દત્તાએ કહ્યું હતું કે, અંસારીની અપીલનો ચુકાદો તેમની તરફેણમાં ન આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સજા સામેની તેમની અરજી પર નિર્ણય લેવા માટે અલ્હાબાદ હાઈકોર્ટ માટે 30 જૂન, 2024 ની સમયમર્યાદા નક્કી કરી હતી. આ કેસનો વિગતવાર નિર્ણય આજે અપલોડ કરવામાં આવશે.
અંસારીની સજા પર રોક : એપ્રિલ મહિનામાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક વિશેષ અદાલતે અંસારી અને તેના ભાઈ મુખ્તાર અંસારી, જે ભૂતપૂર્વ ધારાસભ્ય છે, તેને દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બહુમતી સાથેનો અભિપ્રાય કહે છે કે અંસારી 2024 માં આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે અને આ ચૂંટણીનું પરિણામ તેમની અપીલ પર હાઈકોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે.
અરજીકર્તાની દલીલ : સુનાવણી દરમિયાન અફઝલ અન્સારીનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, જો તેમના અસીલની સજા પર સ્ટે નહીં મુકાય તો ગાઝીપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ હવે લોકસભામાં નહીં થાય. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો.