નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફાયબરનેટ મામલામાં ચંદ્રબાબુ નાયડુની આગોતરા જામીન માંગતી અરજીની સુનાવણી માટેની તારીખ 30 નવેમ્બર નક્કી કરી છે. ન્યાયાધીશ અનિરુદ્ધ બોઝ અને ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીની સંયુક્ત બેન્ચે આ અરજી પર સુનાવણી ટાળવાનું કારણ આપ્યું કે કૌશલ વિકાસ કૌભાંડમાં નાયડુએ દાખલ કરેલ અરજી પર ચુકાદો દિવાળીના વેકેશન બાદ આવવાની સંભાવના છે. બેન્ચે કહ્યું કે એક જ અરજીકર્તાની બીજી અરજીમાં કેટલાક મુદ્દામાં ઓવરલેપિંગ થયું છે તેથી બેન્ચ આગોતરા જામીન માટેની અરજી પર 30મી નવેમ્બરે સુનાવણી કરશે.
સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન નાયડુના વકીલ સિદ્ધાર્થ લુથરાએ દલીલ કરી હતી કે, પ્રારંભિક વ્યવસ્થામાં પોલીસ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ ન કરે તેવો આદેશ જારી રાખો. આંધ્ર પ્રદેશ સરકારના વકીલ રંજીતકુમારે દલીલ કરી કે સુપ્રીમ કોર્ટે પહેલા કૌશલ વિકાસ કૌભાંડની અરજીના ચુકાદામાં આંધ્ર પોલીસને કહ્યું હતું કે ચુકાદો ન આવે ત્યાં સુધી ફાયબરનેટ મામલે નાયડુની ધરપકડ ન કરવામાં આવે. કોર્ટે આ સમજને જારી રાખવા કહ્યું હતું. સંયુક્ત બેન્ચે 13મી ઓક્ટોબરે આંધ્ર પોલીસના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પોલીસ જણાવે છે કે નાયડુની ધરપકડ નહીં કરવામાં આવે.
ન્યાયાધીશ બોસે કહ્યું કે આદેશ એક અન્ય અરજી માટે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તેથી કોર્ટ ચુકાદો આપી દે ત્યારે બાદ નાયડુની તત્કાળ અરજી પર સુનાવણી કરે તે યોગ્ય છે. 13 ઓક્ટોબરે આંધ્ર પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કૌશલ વિકાસ નિગમ કૌભાંડમાં તેમની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે તેઓ(પોલીસ) 18મી ઓક્ટોબર સુધી ફાયબરનેટ મામલે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ નહીં કરે.
ફાયબરનેટ મામલે એપી ફાયબરનેટ પરિયોજનના પ્રથમ તબક્કા અંતર્ગત પોતાની પસંદગીની કંપનીને 330 કરોડ રુપિયાના વિકાસકાર્યો ફાળવી દેવાનો આરોપ છે. આંધ્ર પ્રદેશ પોલીસના સીઆઈડી વિભાગે આરોપ લગાવ્યો હતો કે ટેન્ડર આપવાથી લઈ સમગ્ર પરિયોજનામાં ગેરરીતી આચરી હતી. જેનાથી રાજ્યના ખજાનાને ભારે નુકસાન થયું હતું. 73 વર્ષીય નાયડુ 2015માં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા ત્યારે સરકારી નાણાંનો દુરઉપયોગ કર્યો હતો. જેના આરોપ સર 9 સપ્ટેમ્બરના રોજ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી હતી. આ કથિત કૌભાંડમાં રાજ્યના ખજાનાને કુલ 371 કરોડ રુપિયાનું આર્થિક નુકસાન થયું હતું. ચંદ્રબાબુ નાયડુ રાજામહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.