- ચેન્નઈનાં પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાનાં નજીકનાં નેતા છે શશિકલા
- 1600 કરોડની બેનામી સંપત્તિને કારણે 4 વર્ષથી હતા જેલમાં
- ચેન્નઈ પહોંચેલા શશિકલાને 'અમ્મા ક્રેડર'નાં કાર્યકર્તાઓએ આવકાર્યા
ચેન્નઇ: અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ(AIADMK)નાં નેતા વી.કે. શશિકલા મધરાત્રે કાંચીપુરમ આવી પહોંચ્યા હતા. જ્યાં 'અમ્મા ક્રેડર'નાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. મંગળવારે સવારે તેઓ AIADMKનાં સ્થાપક અને તમિલનાડુનાં પૂર્વ મુખ્યપ્રધાન એમ.જી. રામચંદ્રનનાં રામાવરમ ગાર્ડન્સ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમની પ્રતિમાને પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
31 જાન્યુઆરીથી એક સપ્તાહ માટે હોટલમાં ક્વોરેન્ટાઈન હતા
AIADMKના પૂર્વ નેતા શશિકલાની 31 જાન્યુઆરીએ કોરોનાની સારવાર પૂર્ણ થતા બેંગ્લુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર પૂર્ણ થયા બાદ તેઓને એક સપ્તાહથી હોટલમાં ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા હતા. જે પૂર્ણ થતા તેઓ મંગળવારે તમિલનાડુ પરત ફર્યા હતા. તેઓ ચેન્નઇના ટી નગર વિસ્તારમાં પોતાની ભત્રીજી જે. કૃષ્ણપ્રિયાના નિવાસ સ્થાને રહેશે.
અપ્રમાણસર સંપત્તિનાં કેસમાં ભોગવી રહ્યા હતા સજા
અપ્રમાણસર સંપત્તિના કેસમાં તેઓ 4 વર્ષનો જેલવાસ પૂર્ણ કર્યા બાદ 27 જાન્યુઆરીના રોજ સત્તાવાર રીતે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 2019 માં આવકવેરા વિભાગે બેનામી ટ્રાન્ઝેક્શન્સ (પ્રોહિબિશન) એક્ટની જોગવાઈઓ અંતર્ગત તેમની પાસેની રૂપિયા 1,600 કરોડની સંપત્તિ ઝડપી પાડી હતી. જેના બદલ તેઓને 4 વર્ષ જેલની સજા કરવામાં આવી હતી.