- રશિયા ભારતનું ટોચનું સંરક્ષણ ભાગીદાર બન્યું
- છેલ્લા 3 વર્ષોમાં સંરક્ષણ સંબંધો આગળ
- લગભગ 9-10 બિલિયન ડોલરના સંરક્ષણ કરાર
નવી દિલ્હી: ભારત અને રશિયા (India Russia) વચ્ચે ખાસ કરીને સૈન્ય ક્ષેત્રે સારા સંબંધો છે. એવું માનવામાં આવતું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાનને કારણે રશિયા પાસેથી સૈન્ય હથિયારો (Military Weapons)ની ખરીદીમાં ઘટાડો થશે, પરંતુ તેવું થયું નહીં. તેનાથી વિપરીત રશિયાએ ફ્રાંસ (France)ને પાછળ છોડીને ભારતના ટોચના સંરક્ષણ ભાગીદાર તરીકેનું સ્થાન પાછું મેળવ્યું છે.
છેલ્લા 3 વર્ષોમાં સંરક્ષણ સંબંધો આગળ વધ્યા
રશિયામાં ભારતના રાજદૂત વેંકટેશ વર્માએ કહ્યું કે, અમારી રીતમાં એક મૌલિક પરિવર્તન આવ્યું છે. ભારત અને રશિયાની વચ્ચે છેલ્લા 3 વર્ષોમાં સંરક્ષણ સંબંધો આગળ વધ્યા છે. રશિયા ભારતના ટોચના ભાગીદાર તરીકે એકવાર ફરી ઉભર્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યારે હું 2018માં રશિયામાં રાજદૂત બન્યો તો ભારત-રશિયા સંરક્ષણ કરાર પ્રતિ વર્ષ માત્ર $2-3 બિલિયન ડોલરનો હતો. આજે કુલ રકમ લગભગ 9-10 બિલિયન ડોલર છે.
ભારત-રશિયા વચ્ચે મોટા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થવાની શક્યતા
એટલું જ નહીં, રાજદૂતે સંકેત આપ્યો કે ડિસેમ્બરમાં ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટમાં મોટા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, જ્યાં આગામી દાયકા 2021-2031 માટે લશ્કરી-તકનીકી સહયોગની જાહેરાત કરવામાં આવશે. પરંતુ આંકડાઓ પર નજર કરીએ તો 2016થી 2020ના 4 વર્ષના સમયગાળામાં રશિયન હથિયારોની ખરીદીમાં 53 ટકાનો ઘટાડો નોંધાયો છે.
S-400 એર ડિફેન્સ સિસ્ટમ્સ ડીલ
ભારત રશિયા ઉપરાંત ફ્રાન્સ, અમેરિકા, ઇઝરાઇલ, દક્ષિણ કોરિયા અને ઉઝ્બેકિસ્તાનથી હથિયારો અને સૈન્ય પ્રણાલીઓની ખરીદી કરે છે. ફ્રાન્સ પાસેથી 36 રાફેલ યુદ્ધ વિમાનોને ખરીદવા માટે લગભગ 9 બિલિયન ડોલરની ડીલથી ભારત અને ફ્રાન્સની વચ્ચેના સંરક્ષણ કરારનું મૂલ્ય વધી ગયું હતું. Etv ભારત સાથે વાત કરતા એક વરિષ્ઠ ભારતીય સૈન્ય સૂત્રએ જણાવ્યું કે, "રશિયાની સાથે સંરક્ષણ કરારની રકમમાં વધારો હાલના વર્ષોમાં અનેક મહત્વપૂર્ણ કરારના કારણે થયો છે. આપણે ઘણો બધો રશિયન દારુગોળો ખરીદ્યો છે. ઑક્ટોબરમાં ભારત અને રશિયાની વચ્ચે S-400 એર ડિફેન્સ સિસ્ટમ્સ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા." તેમણે કહ્યું હતું કે, 2025માં અપેક્ષિત ડિલીવરીની સાથે અકુલા-શ્રેણી (Akula-Class) પરમાણુ સંચાલિત સબમરીનને લીઝ પર આપવી, સુખોઈ-30 અને MIG-29 ફાઈટર એરક્રાફ્ટ ડીલ, કામોવ હેલીકોપ્ટર ડીલના કારણે સંરક્ષણ કરારોની રકમમાં વધારો થયો છે.
7.3 બિલિયન ડૉલરની સંરક્ષણ ઉત્પાદન યોજનાઓ
અમેરિકા દ્વારા પ્રતિબંધો લાદવાની ધમકી છતાં રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના સોદા પછી ભારત-રશિયા સંરક્ષણ સંબંધોમાં આવેલા ઉતાર-ચઢાવ નોંધપાત્ર છે. વર્તમાનમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશમાં લગભગ 7.3 બિલિયન ડૉલરની સંરક્ષણ ઉત્પાદન યોજના ચાલી રહી છે. આ યોજનાઓમાં ઉચ્ચ કક્ષાની આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS), પિનાકા રૉકેટ સિસ્ટમ, શૉર્ટ સ્પેન બ્રિજિંગ સિસ્ટમ, હેવીવેટ ટૉરપીડો માટે 'વરુણાસ્ત્ર' સિસ્ટમ, અર્જુન ટેંક MK-1A વગેરે પ્રોડક્ટ સામેલ છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નૌશેરામાં જવાનો સાથે ઉજવશે દિવાળી: સૂત્રો
આ પણ વાંચો: પાકિસ્તાને ફરી બતાવ્યો પોતાનો અસલી રંગ, શ્રીનગર-શારજાહ ફ્લાઇટ માટે એરસ્પેસ આપવાની કહી દીધી ના