- દિલ્હીની રોહિણી પોલીસે સુશીલ કુમારના 4 સાથીઓની કરી ધરપકડ
- ચારેય આરોપી કુખ્યાત કાલા આસૌદા ગેંગના સભ્યો છે
- સ્પેશિયલ સ્ટાફ ટીમે કંઝાવલા વિસ્તારમાંથી આરોપીઓની કરી ધરપકડ
દિલ્હીઃ છત્રસાલ સ્ટેડિયમમાં સાગર ધનખડ નામના પહેલવાની હત્યાના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે પોલીસે ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના એક સાથીની ધરપકડ કરી હતી. તો હવે પોલીસે સુશીલ કુમારના વધુ 4 સાથીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપી કુખ્યાત કાલા આસૌદા ગેંગના સભ્યો છે. ચારેય છત્રસાલ સ્ટેડિયમમાં થયેલી સાગર હત્યા મામલામાં શામેલ હતા. રોહિણી જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ ટીમે કંઝાવલા વિસ્તારથી ચારેયની ધરપકડ કરી હતી. હાલમાં જ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો- જેલમાં આજે પોક મુકીને રડ્યો સુશીલ કુમાર
સાગરની હત્યામાં ચારેય આરોપી શામેલ હતા
રોહિણી જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ ટીમે એક બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી સુશીલ કુમાર પહેલવાનના ચાર સાથીઓને દિલ્હીના કંઝાવલા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આ ચારેય આરોપી કુખ્યાત કાલા અસૌદા ગેંગ અને નીરજ બવાના ગેંગ માટે કામ કરી રહ્યા છે. આ ચાર આરોપીઓમાં ભૂપેન્દ્ર, મોહિત, ગુલાબ અને મનજિતનો સમાવેશ થાય છેે. 4 મેએ છત્રસાલ સ્ટેડિયમમાં સાગર પહેલવાનની હત્યામાં સુશીલ પહેલવાનની સાથે સાથે આ ચાર પણ શામેલ હતા અને ઘટના પછીથી તેઓ ફરાર હતા. રોહિણી જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.
આ પણ વાંચો- સાગર હત્યા કેસ: કુસ્તીબાજ સુશીલ કુમારને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
પોલીસની એન્ટ્રી થતા તમામ આરોપીઓ સ્ટેડિયમ છોડીને ભાગ્યા હતા
પોલીસને બાતમી મળતા પોલીસે કંઝાવલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી ચારેય આરોપીઓઓની ધરપકડ કરવામાં આવી હતી. 25મીએ રાત્રે ગુપ્ત સૂચના મળતા પોલીસ ઈન્સ્પેક્ટર ઈશ્વરસિંહની દેખરેખ હેઠળ સંપૂર્ણ ટીમ કંઝાવલા વિસ્તારમાં પહોંચી હતી અને તમામને ઘરમાંથી ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, 4 મેએ એટલે કે ઘટના સમયે તેઓ છત્રસાલ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. રાત્રે 12 વાગ્યે 2 ગાડી સ્કોર્પિયો અને બ્રિઝામાં સવાર થઈને તે તમામ છત્રસાલ સ્ટેડિયમ ગયા હતા અને ત્યાં પહેલવાન સાગરને ઢોર માર માર્યો હતો અને છેવટે તેનું મોત થયું હતું. જોકે, પોલીસની ગાડીનો અવાજ સંભળાતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ એક હથિયાર ઘટનાસ્થળે જ રહી ગયું હતું. પકડાયેલા તમામ આરોપીઓ સામે પહેલાથી જ અનેક ગુના દાખલ છે, જેમાં ભૂપેન્દ્ર પર 9, મોહિત પર 5, ગુલાબ પર 2 અને મનજિત પર 4 ગુના દાખલ છે.