મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરા અને આગરા ખાતે બે ગમખ્વાર માર્ગ અકસ્માતો સર્જાયા હતા. આગરા દિલ્હી હાઈવે પર કોસીકલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાનૈયાઓથી ભરેલ બસને પાછળથી કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 4 જાનૈયાઓનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ડ્રાયવર સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે આગરમાં ખેરાગઢ-સૈયા માર્ગ પર લગ્નમાં જતા ત્રણ મિત્રોને પણ અજાણ્યા વાહને કચડી કાઢતા ત્રણેયનું મૃત્યુ થયું હતું. પોલીસને સમાચાર મળતા જ પોલીસે સાત લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
આગરા દિલ્હી હાઈવે પર કોસીકલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાનૈયાઓથી ભરેલ બસને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. મંગળવાર મોડી સાંજે પલવલના દીઘોડ ગામથી જાન મથુરા જનપદના છાતા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરાયા ગામે ગઈ હતી. બુધવારે વહેલી સવારે જાનૈયા ભરેલ બસ પલવલ પરત ફરી રહી હતી. આ દરમિયાન આગરા દિલ્હી હાઈવે પર બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બસને ટક્કર મારનાર વાહનનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા જાનૈયાઓમાંથી ધ્રુવ, ચુન્નીલાલ, શ્યામ અને દલવીરનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ દરેક મૃતક હરિયાણાના રહેવાસી હતા. જ્યારે બસમાં હાજર 4 જાનૈયાઓની સ્થિતિ ગંભીર છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘાયલોને સારવાર અર્થે મથુરાના કે ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંથી 2ની સ્થિતિ વધુ ગંભીર છે.
પોલીસ અનુસાર જાનૈયા ભરેલ બસને પાછળથી એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ ઘટનામાં 4 જાનૈયાઓના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા.જયારે 4 ઘાયલમાંથી 2 જાનૈયાઓની સ્થિતિ ગંભીર છે. મૃતકોના પરિવારજનોને આ ઘટનાના સમાચાર આપી દેવાયા છે.
આગરાઃ ખેરાગઢ-સૈયા માર્ગ પર મંગળવારે અન્ય એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક પર જઈ રહેલા 3 મિત્રોને અજાણ્યા વાહને કચડી કાઢ્યા હતા. ઘટના સ્થળે જ ત્રણેય બાઈકસવારના કરુણ મૃત્યુ થયા હતા. મલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ઈટૌરાના નિવાસી સગા ભાઈઓ ચંદ્રવીર અને જયકિશનના લગ્ન સરૈંધી ગામમાં નક્કી કરવામાં આવ્યા હતા. જાન મંગળવાર રાત્રે સરૈંધી ગામમાં જઈ રહી હતી. વરરાજા ચંદ્રવીર અને જયકિશનનો કઝિન વિષ્ણુ અગમ્ય કારણોસર જાનમાં જોડાઈ શક્યો નહતો. મોડી રાત્રે વિષ્ણુ પોતાના મિત્રો આકાશ અને જીતુ સાથે બાઈક પર લગ્નમાં હાજરી આપવા સરૈંધી જઈ રહ્યો હતો. આ દરમિયાન અજ્ઞાત વાહને ત્રણેયને કચડી નાખ્યા હતા. ઘટના સ્થળે જ ત્રણેયના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. ત્રણ જાનૈયાઓના સમાચાર મળતા જ સરૈંધી ગામમાં થઈ રહેલ લગ્નમાં શોકની કાલિમા પથરાઈ ગઈ હતી.
ખેરાગઢના એસીપી મહેશકુમાર અનુસાર ખેરાગઢ-સૈંયા માર્ગ પર ભાકર પેટ્રોલ પંપ પાસે એક બાઈકને અજાણ્યા વાહને કચડી નાખ્યું હતું. આ અકસ્માતમાં ત્રણેય બાઈકસવારના મૃત્યુ થયા હતા. પોલીસે મૃતદેહોને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોલીસ સીસીટીવીની મદદથી અજાણ્યા વાહનને શોધી રહી છે.