- ઉત્તરાખંડ ગ્લેશિયર દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 36 થયો
- દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 204 લોકો ગુમ થયાના અહેવાલ
- બચાવ કામગીરીમાં ITBP, SDRF, NDRF અને ઉત્તરાખંડ પોલીસ કર્મચારીઓ સામેલ
ચમોલી: જોશીમઠમાં બચાવ કામગીરીમાં સામેલ એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં 36 મૃતદેહો મળી આવ્યા છે. આ સમય દરમિયાન 10 મૃતદેહોની ઓળખ પણ થઈ ગઈ છે. એજન્સીઓ અન્ય મૃતદેહોની ઓળખ કરવામાં લાગી ગઈ છે. તે જ સમયે, તપોવન ટનલમાં પણ રાહત કાર્ય સતત ચાલુ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 204 લોકો ગુમ થયાના અહેવાલ છે.
અમારી પ્રાધાન્યતા જીવતા લોકોને બચાવવાની છે: DGP અશોક કુમાર
તપોવન ટનલ પર હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. દરરોજ ટનલમાં અચાનક પાણી આવી જવાને કારણે બચાવ કાર્યને અસર થઈ હતી પરંતુ બચાવ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી. ઉત્તરાખંડના DGP અશોક કુમારે જણાવ્યું હતું કે, અમારી પ્રાધાન્યતા જીવતા લોકોને બચાવવાની છે. તેથી જ્યાં સુધી ટનલ સંપૂર્ણ રીતે સાફ ન કરી દેવાય ત્યાં સુધી બચાવ કાર્ય ચાલુ રહેશે.
ગ્લેશિયર તૂટી જવાથી સર્જાયેલા વિનાશમાં 600થી વધુ જવાનો કરી રહ્યા છે બચાવ કામગીરી
તમને જણાવી દઇએ કે, 7 ફેબ્રુઆરીના દિવસે ગ્લેશિયર તૂટી જવાથી સર્જાયેલા વિનાશમાં ઋષિગંગા વીજળી પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો. આ પાણીથી થયેલા વિનાશમાં 600થી વધુ જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે. જેમાં ITBP, SDRF, NDRF અને ઉત્તરાખંડ પોલીસ કર્મચારીઓ સામેલ છે.