- દિલ્હીના મુખ્યપ્રધાને મેરઠ ખાતે કિસાન મહાપંચાયતમાં સંબોધન કર્યું
- 70 વર્ષોમાં આ દેશના ખેડૂતને માત્ર દગો જ મળ્યો છે - કેજરીવાલ
- લાલ કિલ્લા કાંડ કેન્દ્ર સરકારે પોતે જ કરાવ્યો છે - કેજરીવાલ
મેરઠ : દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે મેરઠ ખાતે કિસાન મહાપંચાયતમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે આપણા દેશમાં ખેડૂત કણસી રહ્યો છે. 95 દિવસથી કડકડતી ઠંડીમાં ખેડૂતભાઇઓ દિલ્હી સરહદ પર બેઠા છે. 250થી વધુ ખેડૂતો શહીદ થઇ ચૂક્યાં છે, પરંતું કેન્દ્ર સરકારને કોઇ ફર્ક પડતો નથી. ગત 70 વર્ષોમાં આ દેશના ખેડૂતને માત્ર દગો જ મળ્યો છે.
ધ્વજ ફરકાવ્યા તેઓ ભાજપના જ કાર્યકર્તાઓ હતા
કેજરીવાલે જણાવ્યું કે, લાલ કિલ્લાની સમગ્ર ઘટના પાછળ કેન્દ્ર સરકારનો હાથ છે. લાલ કિલ્લા કાંડ કેન્દ્ર સરકારે પોતે જ કરાવ્યો છે. હું દિલ્હીનો મુખ્યપ્રધાન છું, ઉત્તર પ્રદેશ અને પંજાબના લોકો અને ખેડૂતોએ મને જણાવ્યું છે કે, તેમને જણીજોઇને એ તરફ ધકેલવામાં આવ્યા હતા. જેમણે ધ્વજ ફરકાવ્યા તેઓ ભાજપના જ કાર્યકર્તાઓ હતા.
3 કૃષિ કાયદાઓ ખેડૂતો માટે ડેથ વોરન્ટ છે
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ 3 કૃષિ કાયદાઓ ખેડૂતો માટે ડેથ વોરન્ટ છે. આ 3 કાયદા લાગુ કરવાથી ખેડૂતો પાસે રહેલી ખેતી કેન્દ્ર સરકાર પોતાના બે ત્રણ ઉદ્યોગતિ સાથીઓને આપી દેવા માંગે છે. સૌની ખેતી જતી રહેશે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે ખેડૂતો સામે દેશ વિરોધી પ્રવૃતિ કરવા બદલ કેસ દાખલ કર્યા છે. અંગ્રેજોએ પણ આવું દૂષ્કૃત્ય કર્યું ન હતું. ભાજપ આપણા ખેડૂતોને આતંકવાદી કહે છે. અંગ્રેજોએ આપણા ખેડૂતો પર આવો ઘોર અત્યાચાર નહોતો કર્યો. તેમને ક્યારે જમીન પર ખીલાઓ નહોતા લગાવ્યા, આ સરકારે તો નિર્દયતામાં અંગ્રેજોને પણ પાછળ છોડી દીધા છે.