ખાનપુરઃ રાજસ્થાનમાં શનિવારે કુલ 199 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ મતદાન માટે મતદાતાઓ ભારે ઉત્સાહી છે. જેમાં યુવાનોની સાથે વૃદ્ધ મતદાતાઓ પણ ઉત્સાહભેર મતદાન માટે આવ્યા છે. રાજ્યના ખાનપુર વિધાનસભા વિસ્તારના બકાની કસ્બામાં મતદાન દરમિયાન એક અપ્રિય ઘટના બની છે. જેમાં સ્થાનિક 78 વર્ષીય મતદાતા કનૈયાલાલનું અચાનક અવસાન થયું છે. તેઓ મતદાન માટે લાઈનમાં ઊભા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.
પરિવારજનોએ કહ્યું કે, વહેલી સવારથી વૃદ્ધ કનૈયાલાલ મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા. મતદાન કેન્દ્ર પર લાંબી લાઈનમાં તેઓ લાંબો સમય ઊભા રહ્યા હતા. મતદાનનો વારો આવે તે પહેલા જ તેઓ અચાનક જમીન પર ઢળી પડ્યા. લોકોમાં અફરા તફરી મચી ગઈ. પરિવારજનો અચેતન થઈ ગયેલા કનૈયાલાલને લઈને બકાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે કનૈયાલાલને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ઝાલાવાડના મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે બકાની કસ્બાના મોલક્યા ગામમાં મતદાન કરવા ગયેલા વૃદ્ધ કનૈયાલાલ મતદાન માટે લાઈનમાં ઊભા હતા ત્યારે તેમનું અચાનક મૃત્યુ થયું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કનૈયાલાલની મોતનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા આ વર્ષે મતદાના સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. સવારથી જ મતદાતાઓ મતદાન માટે લાઈનમાં ઊભા છે. આ વર્ષે ગત વર્ષ કરતા વધુ વોટિંગ થવાની સંભાવના છે. ઝાલાવાડ જિલ્લાની ચારેય બેઠકો પર સવાર 7 કલાકથી જ મતદાન શરુ થઈ ગયું હતું. જિલ્લાના યુવા ઉપરાંત વૃદ્ધ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. જિલ્લા પ્રશાસન દ્વારા વૃદ્ધ મતદાતાઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પૂરતી નથી. પ્રશાસનનો દાવો છે કે પાણી અને છાયડાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે કનૈયાલાલના મૃત્યુને લીધે જિલ્લા પ્રશાસનના દાવો પોકળ સાબિત થયો છે.