તેલંગાણા : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તેલંગાણાની ત્રણ દિવસીય મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે તેલંગણાથી દિલ્હી જતા પહેલા તેઓ આર્મુરમાં એક જાહેર રેલીને સંબોધિત કરશે. જોકે વાયનોડના સાંસદ આજે નિઝામાબાદમાં બીજી રેલીને સંબોધવાના હતા. પરંતુ દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવાની હોવાથી આ રેલી રદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ દિલ્હીમાં યોજાનારી મહત્વની બેઠકમાં રાહુલ ગાંધીની હાજરી ફરજિયાત છે. આ કારણોસર નિઝામાબાદની રેલી રદ કરવામાં આવી છે.
આર્મુરમાં જાહેર રેલી : ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશ શાસન દરમિયાન તૈયાર કરવામાં આવેલ જાતિની જનગણનાના આંકડાને કેમ સાર્વજનિક કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, તેલંગણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રચાર માટેની વિવિધ સ્થળોએ યોજાયેલી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસને સત્તામાં આવ્યા બાદ દેશમાં જાતિ આધારીત જનગણનાનો અભ્યાસ કરવામાં આવશે.
રાહુલ ગાંધીનો દાવો : 30 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણી બાદ તેલંગાણામાં તેમની પાર્ટી સત્તામાં આવવા જઈ રહી છે તે અંગે વિશ્વાસ દાખવતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેલંગાણામાં કોંગ્રેસની લહેર સુનામીની જેમ આવી રહી છે.
જનતાને અપીલ : તેલંગાણા રાજ્યમાં કોંગ્રેસની વિજયબેરી યાત્રા દરમિયાન ભુપલપલ્લી, પેડપલ્લી અને કરીમનગર જિલ્લામાં કોર્નર મીટીંગો અને જાહેર રેલીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જો દિલ્હીમાં ભાજપને હરાવવી હશે તો તેલંગાણામાં BRS ને હરાવવા પડશે. રાહુલ ગાંધીએ કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન આપવા જનતાને અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ 18 ઓક્ટોબરના રોજ તેલંગણામાં તેમના ત્રણ દિવસીય ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.