પુણે: પ્રખ્યાત ઉદ્યોગપતિ અને બજાજ મોટર્સના સ્થાપક રાહુલ બજાજનું શનિવારે પુણેમાં અવસાન થયું. તેઓ 83 વર્ષના હતા. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે બજાજ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. શનિવારે બપોરે 2.30 કલાકે તેમનું અવસાન થયું હતું. રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બજાજના પરિવારમાં તેમના બે પુત્રો રાજીવ બજાજ અને સંજીવ બજાજ અને પુત્રી સુનૈના કેજરીવાલ છે. તેમણે ગયા વર્ષે 30 એપ્રિલના રોજ બજાજ ઓટોના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.
હાર્વડ યુનિવર્સિટીમાંથી MBA કર્યુ
રાહુલ બજાજે પાંચ દાયકામાં બજાજ ગ્રુપને પ્રસિદ્ધિમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનો જન્મ 10 જૂન 1938ના રોજ કોલકાતામાં થયો હતો. રાહુલ બજાજે અર્થશાસ્ત્ર અને કાયદામાં ડિગ્રી પૂર્ણ કરી છે. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું છે.
2001માં સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા
રાહુલ બજાજે 1968માં બજાજ ઓટોમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે જોડાયા હતા. તેમને 2001માં સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. રાહુલ બજાજ જમનાલાલ બજાજના પૌત્ર હતા, જે એક ઉદ્યોગપતિ હતા અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મોહનદાસ કરમચંદ ગાંધીના અગ્રણી સમર્થક હતા.