નવી દિલ્હી : જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પ્રશાસને (JNU) વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સહિત ત્રણ વિદ્યાર્થીનીને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનિય છે કે, આ વિદ્યાર્થિનીઓ પર શિપ્રા હોસ્ટેલના વોર્ડન સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે. કોલેજ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ પર દંડની નોટિસ જાહેર કરવામાં આવતા જ ડાબેરી વિદ્યાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થી સંગઠનમાં રોષ : ડાબેરી વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એપ્રિલ મહિનામાં રાત્રે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી કરવામાં આવેલી તપાસને ખોટી ગણાવી હતી. આ સાથે તમામ વિદ્યાર્થીનીઓને જે આરોપ માટે આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે તેને તેઓ સંપૂર્ણપણે નકારી રહ્યા છે. આ બાબતના વિરોધમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ સહિત તમામ લેફ્ટીસ વિદ્યાર્થીઓએ શુક્રવાર રાત્રે શિપ્રા હોસ્ટેલના વોર્ડનના ઘરની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થીનીઓની માંગ : વિદ્યાર્થીઓની માંગ છે કે, તેમને કરવામાં આવેલ તમામ દંડ રદ કરવામાં આવે. ઉપરાંત આ મામલે વાતચીત દ્વારા સમાધાન થવું જોઈએ. પરંતુ લાંબા સમય સુધી વિરોધ કર્યા બાદ પણ વોર્ડન તરફથી કોઈ પ્રતિસાદ આવ્યો નહોતો. કોઈ મળવા આવ્યું નથી જેના કારણે તમામ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જેએનયુ કેમ્પસના આ વિદ્યાર્થીઓ આ રીતે સમગ્ર વિવાદનો અંત નહીં લાવે. વિદ્યાર્થિનીઓ પર લગાવવામાં આવેલ દંડની રકમ પરત કરવામાં આવે નહિતર આ વિરોધ વધુ વ્યાપક બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
JNU પ્રશાસનને અલ્ટીમેટમ : આ સમગ્ર મામલે આઈ.સી. ઘોષે JNU પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલ દંડને સોમવાર સુધીમાં રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. તેઓએ કહ્યું હતું કે, કોઈપણ કિંમતે દંડની રકમ જમા કરીશું નહીં. ભલે આ માટે કોર્ટનો રસ્તો અપનાવવો પડે. ઉલ્લેખનિય છે કે, આગામી થોડા દિવસો બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ડાબેરી પક્ષો ચોક્કસપણે આ મુદ્દાને ફરી ચગાવાનો પ્રયાસ કરશે.