મહબુબાબાદ(તેલંગાણા): ભારતમાં ચૂંટણી સામાન્ય રીતે દુશ્મનાવટ ઊભી કરતી જોવા મળે છે. ચૂંટણી લડતા ઉમેદવારો વચ્ચે તો ઠીક એ સિવાય તેમના સમર્થકો પણ અંદર અંદર બાખડી પડે છે. આ બધાથી પર એવું તેલંગાણાના બે ગામો સાચી લોકશાહીના પ્રતિક બની ગયા છે. આ ગામમાં રાજકીય પ્રતિકો પર પ્રતિબંધ છે. બીજા એક ગામના જાગૃત મતદાતાઓ આઠ કિલોમીટર ચાલીને મતદાન કરવા જાય છે. આ ગામો તેલંગાણાના મહબુબાબાદ અને નલગોંડા જિલ્લામાં આવેલા છે.
ચૂંટણી પ્રતિકો લગાડવા પર પ્રતિબંધઃ સામાન્ય રીતે ચૂંટણી નજીક આવે ત્યારે જે તે ક્ષેત્ર કે ગામનું ચિત્ર જ બદલાઈ જાય છે. ઉમેદવારો પોતાના પક્ષના પ્રતિકો, ઝંડા વગેરે ગામમાં લગાડી દે છે. જો કે મહબુબાબાદ જિલ્લાના મોતલા થિમ્માપુરમ ગામની સ્થિતિ જુદી છે. જિલ્લાના જાણીતા વિસ્તાર બય્યારામથી 5 કિમી દૂર આવેલ અને ઊંચા પહાડોમાં આદિવાસીઓનું એક ગામ મોતલા થિમ્માપુરમ છે. અહીં 447 મતદાતાઓ છે. દરેક પરિવાર પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરે છે તેમજ સામાજિક સદભાવ જાળવી રાખે છે. તેઓ દરેક પ્રકારના વિવાદોથી દૂર રહે છે. તેઓ વિવાદોથી દૂર રહેતા હોવાથી આ ગામમાં ક્યારેય પોલીસ જ આવી નથી.
ગામની એકતા અખંડઃ આટલું જ નહીં માઓવાદનો પ્રભાવ વધુ હોવા છતાં, જંગલની પાસે ગામ હોવા છતાં ક્યારેય માઓવાદીઓને ગામવાસીઓ પર હુકમ ચલાવવાની પરવાનગી અપાઈ નથી. સ્થાનિકો કહે છે કે રાજકારણમાં દરેકનો સ્વતંત્ર મત હોઈ શકે છે પણ ગામની એક્તા અખંડ રહે તે માટે ચૂંટણી પ્રતિકો લગાડવા પર પ્રતિબંધ છે. જો કે ગામના રહીશો રાજકીય પક્ષોના ઉમેદવારોને ચૂંટણી પ્રચાર કરવાથી કયારેય અટકાવતા નથી.
8 કિલોમીટર ચાલીને મતદાનઃ બીજી તરફ નલગોંડા જિલ્લાના દેવરકોંડા વિધાનસભા વિસ્તારનું અશેગટ્ટુ અવાસા ગામ પોતાના જાગૃત મતદાતાઓને લીધે પ્રખ્યાત બન્યું છે. એક તરફ શહેરોમાં પોતાના ઘરની નજીક મતદાન મથક હોવા છતાં મતદાતાઓ મતદાન કરવામાં નિરાશા દાખવે છે. જ્યારે અશેગટ્ટુ અવાસા ગામના મતદાતાઓ પોતાના સૌથી નજીક એવા મતદાન મથકે પહોંચવા માટે 8 કિલોમીટર જેટલું ચાલે છે. અશેગટ્ટુ અવાસા ગામમાં માત્ર 137 મતદાતાઓ છે. આ દરેક મતદાતા 8 કિલોમીટર ચાલીને મતદાન કરવા જાય છે. નાગાર્જૂનસાગર જળાશયમાં પોતાનુ ગામ ડૂબી જવાથી આદિવાસીઓ અશેગટ્ટુ અવાસા ગામમાં આવીને વસ્યા હતા. ત્યારથી આ આદિવાસીઓ અહીં જ રહે છે અને અહીંથી 8 કિમી ચાલીને મતદાન કરે છે.