નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના ખુબ નજીકના એવા કોંગ્રેસ નેતા અહેમદ પટેલ હવે દુનિયામાં રહ્યાં નથી, પરંતુ અંતિમ સમય સુધી સોનિયા ગાંધીને વિશ્વાસપાત્ર રહ્યાં છે. કોંગ્રેસમાં પાર્ટી પર તેનું ખુબ જ પ્રભુત્વ હતું. સ્વભાવે શરમાળ અને પ્રભાવશાળી નેતા અહેમદ પટેલ 4 દશકોથી પણ વધારે રાજનીતિમાં હોવા છતાં પણ તેમણે તેમના પરિવારને રાજકારણથી દુર રાખ્યા હતાં.
ઈન્દિરા ગાંધીના વિશ્વાસપાત્ર નેતા હતા
સોનિયા ગાંધીના રાજનીતિક સલાહાકાર રહી ચુકેલા અહેમદ પટેલ પોચે પણ એક રાજનીતિક પરિવારમાંથી આવેલા હતાં, પરંતુ તેમણે તેમના સંતાનોને રાજકારણથી દુર રાખ્યા હતાં. તેમણે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત ભરૂચમાંથી કરી હતી અને ટૂંક સમયમાં તેઓ ઇન્દિરા ગાંધીની નિકટ બન્યા હતા. જે બાદમાં તેઓ રાજીવ ગાંધીના ખૂબ નજીક અને ખાસ રહ્યા.
સાંસદ હોવા છતાં પણ તેમને પાર્ટીના સંયુક્ત સચિવ બનાવાયાં હતા
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ 1984માં લોકસભાની 400 સીટો જીતી બહુમત સાથે સત્તામાં આવ્યાં હતાં. તે સમયે અહેમદ પટેલ સાંસદ તો હતા જ આ સાથે તેમને પાર્ટીના સંયુક્ત સચિવ પણ બનાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ અહેમદ પટેલે મહાસચિવ તરીકે પણ જવાબદારી નિભાવી હતી.
સંતાનોને રાખ્યા રાજકારણથી દુર
શરમાળ અહેમદ પટેલની રાજનીતિક કારકિર્દી ખુબ જ સફળ રહી છે, પરંતુ અહેમદે તેના પરિવારને રાજકારણની રમતોથી દુર રાખ્યો હતો. તેમને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર ફૈઝલ પટેલ રાજનીતિથી દુર રહી પોતાનો બિઝનેસ સંભાળી રહ્યો છે. જ્યારે પુત્રી મુમતાજ પટેલના લગ્ન એડવોક્ટ ઇરફાન સિદ્દકી સાથે થયા છે.
મોહમ્મદ ઇશાકજી પટેલ અને હવાબેનના ઘરે 1949માં જન્મેલા અહેમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા. પિતા ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને પ્રદેશના અગ્રણી નેતા હતા. રાજકીય કારકિર્દી બનાવવામાં એહમદ પટેલને તેમના પિતાની ઘણી મદદ મળી, જોકે તેમના બાળકો રાજકારણથી ઘણા દૂર છે.
પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહ્યાં
ગુજરાતના વતની અહેમદ પટેલ ત્રણ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહ્યાં હતા. ઓગસ્ટ 2018 માં અહેમદ પટેલને કોંગ્રેસના ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભરૂચથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ 26 વર્ષની વયે અહેમદ પટેલ 1977 માં પ્રથમ વખત સંસદમાં પહોંચ્યા હતા. હંમેશા પડદા પાછળ રાજકારણ કરનારા અહેમદ પટેલની ગણતરી કોંગ્રેસ પરિવારના વિશ્વાસપાત્ર નેતાઓમાં થાય છે. અહેમદ 1993 થી રાજ્યસભાના સાંસદ હતા.