- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ અને કેરળના પ્રવાસે
- તમિલનાડુમાં અર્જુન મુખ્ય યુદ્ધક ટેન્કનું લોકાર્પણ
- સંબોધન કાર્યક્રમમાં પુલવામા હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી
ચેન્નઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઇમાં અર્જુન મુખ્ય યુદ્ધક ટેન્ક (MK-1A) સેનાને સોંપી દીધી છે. વડાપ્રધાન મોદી રાજ્ય સરકારના કાર્યક્રમમાં સામેલ થયા હતા. મોદીએ ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં એમજી રામચંદ્રન અને પૂર્વ સીએમ જયલલિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડાપ્રધાને તમિલનાડુમાં વિકાસ પરિયોજનનાનું લોકાપર્ણ પણ કર્યું હતું. મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે તમિલોના હિતનો મુદ્દો શ્રીલંકાની સરકાર સામે મજબૂત રીતે ઉઠાવ્યો છે.
મોદીએ સ્થાનિય ભાષામાં લોકોનું અભિવાદન કર્યું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત દેશની અખંડતા સાથે કોઇ સમજૂતી નહીં કરે. મોદીએ તમિલનાડુના લોકોને સ્થાનીય ભાષામાં ‘વન્નકમ ચેન્નઇ, વન્નકમ તમિલનાડુ’ બોલીને અભિવાદન પાઠવ્યું હતું. તેમણે ખેડૂતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમિલનાડુના લોકોએ અન્ન ઉત્પાદનમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, ચેન્નઇ મેટ્રોનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. આ વર્ષના બજેટમાં પ્રોજેક્ટના બીજા તબક્કામાં 63,000 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
પુલવામાં એટેકમાં શહીદ થયેલા જવાનોને યાદ કર્યા
વડાપ્રધાને પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, 2 વર્ષ પહેલા પુલવામામાં હુમલો થયો હતો. જેમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણને આપણા સુરક્ષા દળો પર ગર્વ છે. તેમની બહાદુરીઓથી પ્રેરણા મળતી રહે છે.