નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્ર અને ગોવાનો પ્રવાસ કરશે. આ દરમિયાન તેઓ શીરડી સાઈબાબાના મંદિરમાં પૂજા અર્ચના કરશે. વડા પ્રધાન કાર્યાલય તરફથી આ માહિતી પૂરી પાડવામાં આવી છે. વડા પ્રધાન મોદી ગોવાની પણ મુલાકાત લે છે. ગોવામાં યોજાનાર 37મી નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન પણ વડા પ્રધાન દ્વારા કરવામાં આવશે.
શીરડીમાં કાર્યક્રમઃ પીએમઓ અનુસાર સાંઈ મંદિર પરિસરમાં ભક્તો માટે બનાવવામાં આવેલી સુવિધાઓનું ઉદ્દઘાટન પણ વડા પ્રધાન કરશે. મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન કુલ 7500 કરોડ રુપિયાના વિકાસકાર્યોની યોજનાઓનો શુભારંભ કરશે. વડા પ્રધાન મોદી ગોવામાં મડગામના પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં 37મી નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરશે. વડા પ્રધાન મોદી રમતોત્સવમાં ભાગ લેનાર ખેલાડીઓને સંબોધિત પણ કરશે.
સાઈબાબાની પૂજા-અર્ચનાઃ વડા પ્રધાન કાર્યાલયની જાહેરાત અનુસાર વડા પ્રધાન બપોરે લગભગ 2 કલાકની આસપાસ અહમદનગર જિલ્લાના શીરડી પહોંચશે. અહીં તેઓ શ્રી સાઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અર્ચના કરશે. મંદિરમાં ભકતોની સુવિધા માટે કરાયેલ વ્યવસ્થાઓનું ઉદ્દઘાટન પણ કરશે. આ પરિસરમાં એક અત્યાધુનિક ઈમારત પણ છે. જેમાં ભક્તો માટે આરામદાયક વિશ્રામગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે.
આરામદાયક વિશ્રામગૃહઃ આ વિશ્રામગૃહમાં 10,000થી વધુ ભક્તોના સમાવેશની ક્ષમતા છે. આ વિશ્રામગૃહમાં ક્લોકરુમ, શૌચાલય, બૂકિંગ કાઉન્ટર, પ્રસાદ કાઉન્ટર, સૂચના કેન્દ્ર વગેરેની સગવડ છે. આ દરેક સુવિધા એર કન્ડિશનર્ડ છે. શીરડીના નવા દર્શન ક્યુ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન ઓક્ટોબર, 2018માં વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
7500 કરોડના વિકાસકાર્યોઃ વડા પ્રધાન મોદી શીરડીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં તેઓ 7500 કરોડના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. આ વિકાસયોજનાઓમાં આરોગ્ય, રેલવે, માર્ગ અને તેલ ક્ષેત્રની યોજનાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ નિલવંડે ડેમનું જલ પૂજન વડા પ્રધાન કરશે. સાંજે 6.30 કલાકે વડાપ્રધાન ગોવા પહોંચશે. જ્યાં તેઓ 37મી નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરશે.