બેંગાલુરૂ, કર્ણાટકઃ વડાપ્રધાન મોદી અત્યારે બે દેશોના પ્રવાસે છે. તેઓ સ્વદેશ પરત ફરશે ત્યારે બેંગાલુરૂમાં ઈસરોના વૈજ્ઞાનિકોને રૂબરૂ મળીને ચંદ્રયાન-3ની સફળતાના અભિનંદન પાઠવશે. ભાજપના નેતા આર. અશોકે જણાવ્યું છે કે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પદ્મનાભનગરમાં અશોકે પત્રકારોને જણાવ્યું કે, ચંદ્રયાન-3ની સિદ્ધિને લઈને અમે સૌ ખૂબ જ આનંદિત છીએ. ઓગસ્ટ-26ની સવારે વડાપ્રધાન બેંગાલુરૂમાં આવવાના છે. અમે વડાપ્રધાનને ખૂબ જ ઉમળકાથી આવકારીશું.
ભવ્યાતિભવ્ય હશે રોડ શોઃ વડાપ્રધાનના સ્વાગત કાર્યક્રમમાં 5000થી વધુ લોકો ભાગ લેશે. વડાપ્રધાન સંબોધન પણ આપી શકે છે. પીન્યા ખાતેના ઈસરોના મુખ્ય ભવનની નજીક 1 કિલો મીટર દૂરથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમે રોડ શો સંદર્ભે દસારાહાલીના ધારાસભ્ય મુનિરાજુ સાથે વાત કરી છે. આવતીકાલે વડાપ્રધાન ગ્રીસથી સીધા જ બેંગાલુરૂ પહોંચશે. તેઓ ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોની શુભેચ્છા મુલાકાત લેશે. ભારત ચંદ્રના દક્ષિણ ધૃવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીને સ્પર્શ્યુ અને રોવર પ્રજ્ઞ્યાન રોવર ચંદ્રની સપાટી પર રોલ્ડ આઉટ થયું.
ચંદ્ર પર જનાર દેશમાં ભારત 4થા ક્રમેઃ જ્યારે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થયું ત્યારે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા સાઉથ આફ્રિકા ગયેલા વડાપ્રધાન મોદી આ ઐતિહાસિક ક્ષણના ઓનલાઈન સાક્ષી બન્યા હતા. આ સિદ્ધિ બાદ વડાપ્રધાને કહ્યં કે હવે ભારત ચંદ્ર પર છે, આ નવા ભારતની શરૂઆત છે. ચંદ્રયાન-3ની સફળતાને પરિણામે અમેરિકા, રશિયા, ચાયના બાદ ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. GSLV Mark 3(LVM 3)એ અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં 5 ઓગસ્ટે પહોંચાડ્યું હતું.જેને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કર્યું.