- તમામ રાજ્યોનાં 3000થી વધુ કેન્દ્રોને ડિજીટલ માધ્યમથી કનેક્ટ કરાશે
- રસીકરણને લગતા કોઈપણ પ્રશ્નના સમાધાન માટે 1075 હેલ્પલાઈન શરૂ
- પ્રથમ દિવસે રસીકરણ કેન્દ્રો પર ફ્રન્ટલાઈન વૉરિયર્સને રસી અપાશે
નવી દિલ્હી: દેશમાં દરરોજ કોરોના વાઈરસનાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોના સંક્રમણને હરાવવા માટેનો અંતિમ ઉપાય રસીકરણ જ છે. દેશમાં રસીકરણ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે એટલે કે શનિવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસીકરણનાં રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરાવશે.
રસીકરણ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે, આવતીકાલે કોવિડ-19નાં રસીકરણ દરમ્યાન વડાપ્રધાન દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 3000થી વધુ સ્થળોને ડિજીટલ માધ્યમથી કનેક્ટ કરવામાં આવશે. દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસી મોકલી દેવાઈ છે. આ ઉપરાંત રસીકરણને લગતા પ્રશ્નોનાં નિકાલ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઈન 1075 શરૂ કરી દેવાઈ છે.
5 હજારથી વધુ કેન્દ્રો પર રસીકરણનું આયોજન
નીતિ આયોગનાં સભ્ય વી.કે પોલે જણાવ્યું હતું કે, રસીકરણ અભિયાન પ્રથમ દિવસે દેશનાં 3 હજાર કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. એક સત્રમાં માત્ર 100 લોકોને રસી આપવામાં આવશે. જેમ જેમ આ કાર્યક્રમ આગળ વધશે, તેમ તેમ કેન્દ્રોની સંખ્યા વધારીને 5 હજારથી વધુ કેન્દ્રો પર રસીકરણનું આયોજન છે.
'કો-વિન' એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે
શરૂઆતમાં માત્ર હેલ્થકેર વર્કર્સને રસી આપવામાં આવનાર છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેન્દ્રો માટે જાહેર કરાયેલી સૂચના મુજબ, હેલ્થકેર વર્કર્સમાં માત્ર ડૉક્ટરો અને નર્સો જ નહિ, પરંતુ હોસ્પિટલોમાં કામ કરનાર સફાઈ કર્મીઓ, એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનો પણ સમાવેશ થાય છે. જોકે, રસી મેળવવા માટે તમામે 'કો-વિન' એપ્લિકેશનમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.