- વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ભારત માટે શિક્ષણ, સંશોધન અને કૌશલ્યના વિકાસ અંગે સંબોધન
- દેશમાં સમગ્ર ઇકોસિસ્ટમને બદલવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે
- ઉચ્ચ સંસ્થાઓમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટરો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભારતને આત્મનિર્ભર બનાવવામાં શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય વિકાસના મહત્વ વિશે રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશના યુવાનોને આત્મનિર્ભર ભારત નિર્માણ માટે આત્મવિશ્વાસની જરૂર છે.
'આત્મવિશ્વાસ શિક્ષણ અને કુશળતાના જ્ઞાનથી આવે છે'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આત્મવિશ્વાસ સીધો શિક્ષણ અને કોઈની કુશળતાના જ્ઞાન સાથે સંબંધિત છે. આ મૂળ વિચારના આધારે નવી શિક્ષણ પ્રણાલીનો વિકાસ થયો છે. વધુમાં કહ્યું કે, આ મંથન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે દેશ તેની ખાનગી, બૌદ્ધિક, ઔદ્યોગિક પ્રકૃતિ અને પ્રતિભાને દિશા આપતા સમગ્ર ઇકોસિસ્ટમને બદલવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.
દેશમાં સ્ટાર્ટઅપ્સ પર ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, પ્રથમ વખત દેશની શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ઉચ્ચ સંસ્થાઓમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટરો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. દેશમાં સ્ટાર્ટઅપ માટે હેકાથોનની નવી પરંપરા બનાવવામાં આવી છે, જે દેશના યુવાનો અને ઉદ્યોગ બંને માટે એક વિશાળ શક્તિ બની રહી છે.
50,000 કરોડની રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન યોજના
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, શિક્ષણ અને સંશોધનને મર્યાદિત રાખવું રાષ્ટ્ર સાથે અન્યાય છે. આ વિચારધારા સાથે, અમે યુવાનો માટે કૃષિ, અવકાશ, પરમાણુ શક્તિ અને ડીઆરડીઓ ખોલી રહ્યા છીએ, જે નવી ક્ષમતાઓથી ભરેલી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દેશમાં પહેલીવાર રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનનો વિકાસ 50,000 કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યો છે.