નવી દિલ્હી : પીએમ મોદીએ ' ડીપફેક ' ને સમસ્યા કહી મીડિયાને અપીલ કરી હતી કે આ સમસ્યા વિશે લોકોને જાગૃત કરો. તેઓ નવી દિલ્હીમાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં અને મીડિયાને સંબોધન કરતાં આમ જણાવ્યું હતું. તેમની ટિપ્પણી રશ્મિકા મંદાન્ના અને કાજોલના તાજેતરના ડીપફેક વીડિયો વિવાદોના પગલે આવી છે જે વાયરલ થયા છે. ડીપ ફેકથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે.
કૃત્રિમ બુદ્ધિમત્તાનો દુરુઉપયોગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ' ડીપફેક ' વીડિયો બનાવવા માટે એઆઈ - કૃત્રિમ બુદ્ધિમત્તાના દુરુઉપયોગને ' સમસ્યાજનક ' ગણાવ્યું હતું અને મીડિયાને આ વિશે લોકોને શિક્ષિત કરવા હાકલ કરી હતી. શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય ખાતે ભાજપના દિવાળી મિલન કાર્યક્રમમાં મીડિયાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને લોકોને નવી ઉભરી રહેલી કટોકટી વિશે ચેતવણી આપી હતી જે એઆઈ દ્વારા દુરુપયોગ કરાયેલ ડીપ ફેક વીડિયો છે.
મીડિયાને અપીલ : પીએમ મોદીએ તેમના સંદેશમાં કહ્યું હતું કે, " 'ડીપફેક ' બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સમસ્યારૂપ છે અને હું મીડિયાને લોકોને શિક્ષિત કરવા વિનંતી કરું છું. " પીએમ મોદીની આની ટિપ્પણી રશ્મિકા મંદન્ના, કાજોલ અને કેટરિના કૈફના તાજેતરના ડીપફેક વીડિયોના પગલે આવી છે, જેણે અમિતાભ બચ્ચન જેવા મૂવી દિગ્ગજોની તીક્ષ્ણ પ્રતિક્રિયાઓ સહિત દેશભરમાં આક્રોશ ફેલાવ્યો હતો. ઘણા લોકોએ ડીપ ફેકથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાયબર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહીની માંગ કરી હતી.
છઠ પૂજા હવે રાષ્ટ્રીય ઉત્સવ : બીજી તરફ, ઉત્તર ભારતમાં સૌથી આદરણીય તહેવાર છઠ પૂજાનો આજથી પ્રારંભ થયો છે. તેના વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ચાર દિવસીય ઉત્સવ ' રાષ્ટ્રીય પર્વ ' (રાષ્ટ્રીય સ્તરનો તહેવાર) બની ગયો છે અને તે ખૂબ જ ખુશીનો વિષય બની ગયો છે. પીએમ મોદીની સાથે ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શાસક પક્ષ દ્વારા આયોજિત દિવાળી મિલન કાર્યક્રમના સ્થળે હાજર જોવા મળ્યાં હતાં.
ભારતની સિદ્ધિઓ પર નિવેદન : દીવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત પાર્ટી મેમ્બરને સંબોધતાં પીએમ મોદીએ ભારતની સિદ્ધિઓ પર વધુ વાત કરતા કહ્યું કે, કોવિડ-19 રોગચાળા દરમિયાન હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓએ દેશના તમામ વર્ગોમાં દેશના સંકલ્પ વિશે વિશ્વાસ પેદા કર્યો કે તે નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવા માટે તેની કૂચમાં અટકશે નહીં. તેમણે ' વિકસિત ભારત ' નો ઉલ્લેખ કરતાં ભારપૂર્વક જણાવ્યું કે આ લક્ષ્યો માત્ર શબ્દો નથી પરંતુ હવે જમીની વાસ્તવિકતા છે અને 'લોકલ ફોર લોકલ' ના કોલને જાહેર સમર્થન મળ્યું છે.