પંજાબ : વર્ષ 2022 માં પંજાબ કોંગ્રેસ સરકાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓની સુરક્ષામાં ખામી સામે આવી હતી. આ મામલે પંજાબ સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબ ડીજીપીના અહેવાલ મુજબ તત્કાલીન એસપી ફિરોઝપુર ગુરબિંદર સિંહને ફરજમાં બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલમાં SPH ગુરબિંદર સિંહ સંઘા ભટિંડામાં તૈનાત છે.
PM સુરક્ષા ચૂક મામલો : ઉલ્લેખનિય છે કે, ફિરોઝપુરના હુસૈનીવાલા પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓ દ્વારા રસ્તો રોકી લેવાતા વડાપ્રધાનનો કાફલો લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. અહીંથી પાકિસ્તાન બોર્ડર માત્ર 20 કિલોમીટર દૂર હતી. ત્યારબાદ વડાપ્રધાનની સુરક્ષા માટે તૈનાત એસપીજી કમાન્ડોએ સુરક્ષાની જવાબદારી સંભાળી અને તેમની આસપાસ સુરક્ષા કોર્ડન બનાવ્યું હતું. ઢીલી સુરક્ષા બાદ પીએમ મોદીએ ફિરોઝપુર રેલી કેન્સલ કરી અને ભટિંડા એરપોર્ટ પરત ફર્યા હતા.
પંજાબ સરકારની કાર્યવાહી : આ ઘટના બાદ પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ ઘટનાની તપાસ માટે 3 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી અને સમગ્ર મામલામાં એક રિપોર્ટ સોંપવા કહ્યું હતું. પરંતુ ત્યારબાદ પંજાબમાં સરકાર બદલાઈ ગઈ હતી. સરકાર બદલાઈ હોવા છતાં તપાસ ચાલુ રહી અને હવે પંજાબના ડીજીપી ગૌરવ યાદવ દ્વારા પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતને વિગતવાર તપાસ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
SP ગુરબિંદર સિંહ સસ્પેન્ડ : આ તપાસ રિપોર્ટમાં ફિરોઝપુરના તત્કાલિન એસપી ગુરબિંદર સિંહને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા માટે રાજ્યપાલ દ્વારા પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, સસ્પેન્શન દરમિયાન સંબંધિત અધિકારીનું મુખ્યાલય ડીજીપી ઓફિસ ચંદીગઢ રહેશે અને અધિકારી કોઈપણ સૂચના વિના ઓફિસ છોડશે નહીં.