નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મે અને જુલાઈ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાત દેશોની વિદેશ યાત્રાઓ પર રૂપિયા 1.79 કરોડનો ખર્ચ કર્યો છે, જેમાં યુએસ અને ફ્રાન્સની હાઈ-પ્રોફાઈલ મુલાકાતોનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 19 મેથી 15 જુલાઈની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન, પાપુઆ ન્યુ ગિની, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇજિપ્ત, ફ્રાન્સ અને UAE જેવા સાત દેશોની મુલાકાત લીધી હતી. આના પર કુલ 1,79,38,717 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાને બે મહિનામાં સાત દેશોની મુલાકાત કરી : વડા પ્રધાનનો પ્રવાસ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે, જ્યારે અન્ય કેબિનેટ પ્રધાનોનો પ્રવાસ ખર્ચ સંબંધિત મંત્રાલયના ભંડોળમાંથી ઉઠાવવામાં આવે છે. ઉચ્ચ સ્તરીય મુલાકાતો એ અન્ય દેશો સાથે ગાઢ સંબંધો વધારવા અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ભારતની જોડાણને પ્રોત્સાહન આપવાનું એક સ્થાપિત માધ્યમ છે. આવી મુલાકાતો દ્વારા, ભારત તેના રાષ્ટ્રીય હિતોને પૂર્ણ કરે છે અને વિદેશ નીતિના ઉદ્દેશ્યોનો અમલ કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મુલાકાતોએ ઉચ્ચ સ્તરે વિદેશી ભાગીદારો વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના વલણની સમજણમાં વધારો કર્યો છે.
આટલા કરોડનો થયો ખર્ચો : ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સરકાર દ્વારા રાજ્યસભામાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ પર 254.87 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને એક લેખિત જવાબમાં ઉપલા ગૃહને જણાવ્યું હતું કે, "ઉપલબ્ધ માહિતી મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાનની વિદેશ યાત્રા પરનો ખર્ચ રૂપિયા 2,54,87,01,373 છે."