અયોધ્યાઃ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યાથી હવાઈ ઉડાન સેવા શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવેલા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટના ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવી છે. 25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ માટે 15 ડિસેમ્બર સુધીમાં સમગ્ર બાંધકામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
એરોપોર્ટનું નિરિક્ષણ કરાયું : આ સંદર્ભે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને વીકે સિંહે તાજેતરમાં અયોધ્યા એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું અને 15 ડિસેમ્બર સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી હતી. બાંધકામનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને મુસાફરોના આગમન અને પ્રસ્થાન માટે ટર્મિનલ સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે.
મોટા વિમાનો માટે રનવે તૈયાર કરાયો : 821 એકર જમીન પર બની રહેલા એરપોર્ટના નિર્માણ કાર્યમાં 2200 મીટરનો રનવે પૂર્ણ થયો છે. પ્રથમ તબક્કામાં આ એરપોર્ટ પરથી પ્રથમ ફ્લાઈટ દિલ્હી અને ત્યારબાદ અમદાવાદ માટે શરૂ થશે. આ ઉપરાંત, એરક્રાફ્ટની કામગીરી શરૂ થયા પછી, આનો વિસ્તાર કરવામાં આવશે અને બોઇંગ 787, બોઇંગ 887 સાથે, એરબસ 319 અને એરબસ 320 જેવા ભારે વિમાનો પણ આ એરપોર્ટ પરથી દેશના મોટા શહેરો માટે ઉડાન ભરશે. મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ એરપોર્ટ સુધીનો એપ્રોચ રોડ તૈયાર થઈ ગયો છે.
આ શહેર માટે ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે : દિલ્હી, અમદાવાદ ઉપરાંત, શ્રદ્ધાળુઓ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પરથી બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ જેવા મોટા શહેરો માટે ઉડાન ભરી શકશે. આ સેવા શરૂ થવાથી અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને ઘણી સુવિધા મળશે. અત્યાર સુધી શ્રદ્ધાળુઓને અયોધ્યા આવવા માટે લખનૌ એરપોર્ટનો સહારો લેવો પડતો હતો.પરંતુ હવે અયોધ્યા એરપોર્ટ શરૂ થતાં શ્રદ્ધાળુઓ સીધા અયોધ્યા પહોંચી શકશે અને લખનૌ એરપોર્ટ પરનો ભાર પણ ઓછો થશે.