ઉત્તરકાશી/ ઉત્તરાખંડઃ યમૂનોત્રી હાઈવે પર સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્કયૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ રેસ્કયૂ ઓપરેશનમાં ઘણો સમય પણ લાગી રહ્યો છે. લોકો મજૂરોના જીવની સલામતિના પ્રાર્થના પરમેશ્વરને કરી રહ્યા છે.
સિલક્યારા ટનલમાં 8 દિવસથી 41 મજૂરો જિંદગી માટે મોત સામે લડી રહ્યા છે. ટનલના તૂટી પડેલા માળખા પાછળ મજૂરોને નીકાળવા માટે લાવવામાં આવેલી અત્યાધુનિક મશિનો પણ કારગત નીવડી નથી રહ્યા. આ સ્થિતિમાં લોકો ટનલના પ્રવેશ દ્વાર પાસે આવેલા મંદિરે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે. ઉત્તરકાશી સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોના રેસ્કયૂ ઓપરેશન પર સતત મુખ્ય પ્રધાન ધામી મોનિટરિંગ કરી રહ્યા છે. વડા પ્રધાન મોદી પણ મુક્ય પ્રધાન ધામી પાસેથી આ રેસ્ક્યૂ ઓપરેશનની સતત અપડેટ લઈ રહ્યા છે. આ ઉપરાંત રેસ્કયૂ ઓપરેશન માટે હાઈટેક મશિનો મંગાવવામાં આવ્યા છે. જેના ઉપયોગથી મજૂરોને સકુશળ બહાર નીકાળી શકાય.
વડા પ્રધાન મોદી સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યૂ સત્વરે કરાવવા માંગે છે. જેના માટે પીએમઓના સીનિયર અધિકારીઓની પાંચ સભ્યોની ટીમ સિલક્યારા પહોંચી હતી. પીએમઓથી આવેલી ટીમે ટનલ વિસ્તારનું ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે આઠ દિવસ પહેલા યમૂનોત્રી હાઈવે પર સિલક્યારા ટનલના નિર્માણ દરમિયાન સવારે 5.30 કલાકે આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં કામ કરતા 41 મજૂરો અંદર ફસાઈ ગયા છે. આ મજૂરોના રેસ્ક્યૂમાં સમગ્ર તંત્ર જોતરાયેલુ છે. જો કે તંત્રના બધા પ્રયત્નો વિફળ રહ્યા છે તેઓ હજૂ સુધી ફસાયેલા મજૂરો સુધી પહોંચી નથી શક્યા. આ દુર્ઘટનામાં ફસાયેલા મજૂરોમાં ઉત્તરાખંડ સહિત ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઓડિશા રાજ્યોના મજૂરોનો પણ સમાવેશ થાય છે.